Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

ઋષિકેશ, બદ્રીનાથ અને કેદારનાથની યાત્રા દરમિયાન ગંગા પૂજન મહાભિષેક, માતા ગંગાની મહાઆરતીમાં જોડાતા એસજીવીપી ગુરુકુળના

પાર્ષદવર્ય શ્રી કનુ ભગત, પાર્ષદવર્યશ્રી શામજી ભગત વગેરે.

  તા. ઋષિકેશ ૧૯ ઋષિકેશ ભારતનું સર્વોતમ તીર્થ છે. અહીનું ભરત મંદિર સુપ્રસિદ્ધ છે. ત્રેતાયુગમાં ભરતજીએ અહી તપ કર્યું હતું, તેથી લોકો ભરત મંદિર કહે છે.

          ભરત મંદિરમાં કૃષ્ણ ભગવાન ઋષિકેશની મૂર્તિ ચતુર્ભુજ શ્યામ સુંદર અને મનોહર છે. જૂના જમાનામાં બદરી કેદારની યાત્રા અત્યંત કઠિન હતી. કહેવાય છે કે આ ભરત મંદિરને ૧૦૮ પ્રદક્ષિણા કરનાર ને બદરી કેદાર યાત્રાનું ફળ મળે છે. આવા તીર્થરાજ ઋષિકેશમાં ગંગાને કિનારે પરમાર નિકેતનના મુનીજી દ્વારા દરરોજ ગંગા મૈયાની આરતી થાય છે, આ આરતીમાં હજારો ભક્તો લાભ લે છે.

          આ આરતીમાં SGVP ગુરુકુળના પાર્ષદવર્ય શ્રી કનુ ભગત, પાર્ષદવર્યશ્રી શામજી ભગત, અમદાવાદ-મેમનગર ગુરુકુળના અધ્યાપક શ્રી વિશાલભાઈ છત્રોલા અને સુરતની દીપ દર્શન વિદ્યાસંકુલ ના આચાર્યશ્રી ભાવેશભાઇ જોશી પરમાર્થ નિકેતનના વડા પૂજ્ય મૂનીજી સાથે  મહા ગંગાઆરતીમાં જોડાયા હતાં.

          ગંગા આરતી બાદ ભારતવર્ષના શિરમોડ યાત્રાધામ બદ્રિકાશ્રમ અને કેદારનાથની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. યાત્રામાં નારાયણ પર્વતની તળેટીમાં ભગવાન શ્રી નરનારાયણ દેવનું સુંદર અને નવ્ય ભવ્ય મંદિર છે. મંદિરનું શિખર સુવર્ણનું છે. ભગવાનનું સિંહાસન ચાંદીનું છે. ભગવાન નારાયણની મૂર્તિ સ્વયંભૂ છે. આ મૂર્તિ શાલિગ્રામ શિલામાંથી બનેલી બેઠેલી મૂર્તિ છે.

          ભગવાન નારાયણ કઠિન તપ કરે છે. તપની ગરમીને શાંત કરવા માટે રોજ સવારે ભગવાનને ઠંડા જળથી સ્નાન કરાવવામાં આવે છે અને શરીરે ચંદનનો લેપ કરવામાં આવે છે. ઉદ્ધવજીનો ભક્તિભાવ જોઈ ભગવાન શ્રી કૃષ્ણએ એમને પોતાના ચરણની પાદુકા આપી હતી, તે જ ચરણની પાદુકાના આજે મંદિરમાં દર્શન થાય છે.

          ભગવાનની જમણી બાજુ શ્રી દેવી, ભૂદેવી, ઉદ્ધવજી, કુબેરજી, લક્ષ્મીજી અને નારદજીની શ્યામ મૂર્તિઓ છે શોભે છે. યુગો પહેલા ભગવાન નારાયણ કેદાર  શિખર પર તપ કરતા હતા, એ તપથી પ્રસન્ન થઈ શિવજી પ્રગટ થયાં. ભગવાન નારાયણની વિનંતીથી શિવજી અહીં હજારો વર્ષથી જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજે છે.

(12:13 pm IST)