Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

આણંદ:કેરોસીનના ભાવમાં વધારો થતા મધ્યમ ગરીબ વર્ગના પરિવારનું બજેટ ખોરવાયું

આણંદ : સરકાર દ્વારા રાશનકાર્ડ ધારક પરિવારોને અપાતા કેરોસીનના ભાવમાં વધારો થતા મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાયું છે. તાજેતરમાં રાહત દરના કેરોસીનમાં રૂ. ૪.૯૦નો ભાવ વધારો થતા ભાવ લગભગ રૂ. ૮૩ જેટલો થયો છે. સરકાર દ્વારા ઉજ્જવલા યોજના હેઠળ રાંધણ ગેસના જોડાણ વિનામૂલ્યે અપાતા કેટલાય પરિવારોને રાહત દરનું કેરોસીન મળતું બંધ થયું હતું. હાલ તો રાંધણ ગેસ અને કેરોસીનના ભાવો આસમાને પહોંચતા ગરીબ કાર્ડધારક પરિવારો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. આણંદ જિલ્લામાં ૧,૦૯,૧૬૩ બીપીએલ કાર્ડમાં ૬,૨૫,૪૨૭ની જનસંખ્યા છે. જ્યારે બીપીએલ-એએવાયના ૨૯,૨૩૫ કાર્ડમાં ૧,૩૨,૨૨૨ જનસંખ્યા છે. સરકાર દ્વારા બીપીએલ કેટેગરીના રેશનકાર્ડ ધારકોને ઉજ્જવલા યોજના હેઠળ મફત રાંધણગેસ જોડાણ આપવામાં આવ્યા છે. આ કાર્ડમાં મહિલાનું મુખ્ય નામ હોય તેઓને વિનામૂલ્યે રાંધણ ગેસ આપવામાં આવ્યા છે. વધતી જતી મોંઘવારીમાં ઉજ્જવલા યોજના હેઠળના લાભાર્થીઓ રાંધણ ગેસના ભાવો ઉંચકાતા મૂંઝવણભરી સ્થિતિ અનુભવી રહ્યાં છે. રાંધણ ગેસની સાથે સાથે કેરોસીનના ભાવો પણ ગતિ પકડતા રેશનકાર્ડ ધારકોને ઘર કેમ ચલાવવું તે પ્રશ્ન થઈ પડયો છે. દિન-પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલની જેમ વાદળી કેરોસીનનો ભાવ પણ બદલાતો રહે છે. ગત વર્ષે ૧ લીટર કેરોસીનનો ભાવ રૂ. ૪૩ની આસપાસ હતો. જો કે ઓઈલ કંપનીઓને દર મહિને ભાવ બદલતા રહેવાની છૂટ મળી હોવાથી આ વર્ષે કેરોસીનનો ભાવ ૮૩ રૂ.ની આસપાસ પહોંચી ગયો છે. ગત માર્ચ માસમાં આણંદ જિલ્લામાં રાહત દરના કેરોસીનનો ભાવ રૂ. ૬૩.૩૦ હતો. જે એપ્રિલમાં રૂ. ૭૭.૧૦ ઉપર પહોંચ્યો હતો અને હવે પુનઃ વધારો થઈ રૂ. ૮૩ ઉપર પહોંચ્યો છે. 

(6:10 pm IST)