Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

દરબાર રોડ જૂની વાવ દરગાહ પાસેના મકાન પર મોબાઈલ ટાવરની થતી કામગીરીમાં NOC ન આપવા આવેદનપત્ર અપાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શહેરમાં ઘણા મકાનો ઉપર મોબાઈલ ટાવર લાગેલા છે જે પૈકી અમુક નિયમના પાલન વિના લાગ્યા હોવાની અગાઉ બૂમ હતી ત્યારે હાલમાં દરબાર રોડ વાવ નજીકના એક મકાન પર મોબાઈલ ટાવર માટેની કામગીરી ચાલુ હોય જેમાં એન.ઓ.સી.ન આપવા સ્થાનિક રહીશોમાં નરસિંહભાઇ વસાવા સહિતનાઓ એ નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદન આપી રજૂઆત કરી છે

  દરબાર રોડ , જુની વાવનો ખાંચો તેમજ લક્ષ્મીનારાયણ મંદિરના રહિશોની નમ્ર અરજ કે દરબાર રોડ,જુની વાવના ખાચામાં આવેલ દરગાહ પાસે દિનેશ ભાઇ કાંતિલાલ પંચોલીનું મકાન છે જે મકાનની ઉપરના ભાગે મોબાઇલ ટાવર બેસાડવાનું કામ હાલમાં ચાલુ કરવામાં આવેલ છે,મોબાઇલ ટાવરમાંથી નીકળતા કિરણો જીવલેણ હોય છે . કિરણોથી રેંજમાં આવતા દરેક મનુષ્યો તેમજ જીવ સૃષ્ટિ પણ જીવલેણ રોગ થાય છે . અને ધીમે ધીમે કિરણોને કારણે મૃત્યુ થાય છે . જીવલેણ કિરણોને કારણે મૃત્યુ થાય તો જવાબદારી કોની ? અમો સૌ આ મોબાઇલ જીવલેણ ટાવર આ જગ્યા પર ન નાખવામાં આવે એવી ટાવરની આસપાસના રહીશોની સંપૂર્ણ માંગ છે,જેથી આપના સ્તરેથી એન.ઓ. સી. ન આપવા અરજ કરાઈ છે.

જોકે આ બાબતે દિનેશભાઈ પંચોલી ના જણાવ્યા મુજબ મારા ઘરની આસપાસ બે ઠેકાણે ઘણા વર્ષથી મોબાઈલ ટાવર લાગેલા જ છે જેનાથી કોઈને કઈ નુકશાન થયું નથી અને મે બધું નિયમ મુજબ કામ કરી મારા મકાન ઉપર મોબાઈલ ટાવર લગાડવાનું કામ કર્યું છે.
જ્યારે કમલેશ પટેલ એ જણાવ્યું કે આ મોબાઈલ ટાવર ના કારણે સ્થાનિક વિસ્તારમાં લોકો બીમારીમાં સપડાયા છે અને વધુ એક મોબાઈલ ટાવર આ વિસ્તારમાં લાગશે તો સ્થાનિકો માટે ખતરારૂપ કહી શકાય માટે આ ટાવર ને પરવાનગી ન અપાઈ તેવી અમારી માંગ છે.

(10:25 pm IST)