Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

સુરતના ગ્રીષ્મા હત્યા કેસ: ફેનિલની ફાંસીની સજાની કન્ફર્મેશન અરજી હાઇકોર્ટે સ્વીકારી લીધી

હાઇકોર્ટે કેસની આગામી સુનવણી 28 જૂનના રોજ નિયત કરી

સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસમાં હત્યારા ફેનીલને થયેલ ફાંસીની સજાના કન્ફર્મેશન માટે રાજય સરકારે હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં રાજ્ય સરકારે ફાંસીની સજા યથાવત રાખવાની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી છે. હાઇકોર્ટે કનફર્મેશન કેસને સ્વીકારી કેસ દાખલ કર્યો છે. તેમજ સરકારની અપીલના પગલે હત્યારા ફેનીલને હાઇકોર્ટે નોટિસ ઇશ્યુ કરી છે. હાઇકોર્ટે કેસની આગામી સુનવણી 28 જૂનના રોજ નિયત કરી છે. મહત્વપૂર્ણ છે કે સુરતની સેશન્સ કોર્ટે હત્યાના કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણીને હત્યારા ફેનીલને ફાંસીની સજા ફટકારી હતી.

ઉલ્લેખનીય છે કે, 5 મેના રોજ સુરત ના ગ્રીષ્મા હત્યા કેસનો  ચૂકાદો આપવામાં આવ્યો છે. જેમાં  કોર્ટે ફેનિલને ફાંસીની સજા ફટકારી હતી. કોર્ટે રેરસ્ટ ઓફ ધ રેર ગણીને આ સજા સંભળાવી હતી. કોર્ટમાં જજે જજમેન્ટ વાંચતી વખતે અલગ અલગ 4 જજમેન્ટ પણ ટાક્યાં હતાં. આ ઉપરાંત બાળકો વેબ સિરીઝ જોઈ રહ્યા છે તેની પણ નોંધ લીધી હતી. કોર્ટે કહ્યું હતું કે આરોપી ફેનીલ પરિવારનો આવકનો સ્ત્રોત નથી. કોર્ટે ગ્રીષ્માંના પરિવારને વળતર ચૂકવવા માટે પણ અપીલ કરી હતી.

આ પહેલાં 26 એપ્રિલના રોજ આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ન હતો. માત્ર બચાવ પક્ષના વકીલે જ કોર્ટમાં હાજરી આપી હતી. જેમા  બંને પક્ષકારોની કોઈ રજૂઆત હોય તો તે કરી શકે તે માટે કોર્ટે બંને પક્ષને સમય આપ્યો હતો.  જેમાં  બચાવ પક્ષના વકીલે ફેનિલને ઓછામાં ઓછી સજા થાય તે અંગે દલીલ કરી હતી. બીજી તરફ સરકાર પક્ષના વકીલે ફેનિલને વધુમાં વધુ સજા થાય તે માટે દલીલ કરી હતી. ત્યારે બંને પક્ષની દલીલો  સજા  સંભળાવવામાં આવી હતી.

મહત્વનું છે કે 12 ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ નામના આરોપીએ હત્યા કરી હતી. ફેનિલે જાહેરમાં જ ગ્રીષ્માનું ગળુ કાપી નાખ્યું હતું ત્યારબાદ તેણે આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતાં તાત્કાલિક ફેનિલને ઝડપી લેવાયો હતો અને હોસ્પિટલ લઈ જવાયો હતો. 15 ફેબ્રુઆરીએ સારવાર બાદ આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. હોસ્પિટલમાંથી રજા મળતાં જ પોલીસે ફેનિલની ધરપકડ કરી હતી.

16 ફેબ્રુઆરીએ SITની રચના કરવામાં આવી હતી. 17 ફેબ્રુઆરીએ આરોપી ફેનિલને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. 19 ફેબ્રુઆરીએ રિમાન્ડ પૂર્ણ થતાં ફેનિલને લાજપોર જેલમાં ધકેલાયો હતો. કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ અને પૂરાવા તપાસ્યા બાદ ફેનિલને 21 એપ્રિલે દોષિત જાહેર કર્યો હતો.

(12:34 am IST)