Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

રાજકોટ-જૂનાગઢના કલેકટર રહી ચુકેલા ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર અને ડીપીઆઈઆઈટીના સેક્રેટરી ગુરૃપ્રસાદ મહાપાત્રા કોરોના સામેનો જંગ હારી ગયા

આજે સવારે અંતિમ શ્વાસ લીધાઃ દોઢ મહિનાથી દિલ્હીની એઈમ્સમાં સારવાર હેઠળ હતાઃ તેમના નિધનથી આઈએએસ ઓફિસરોમાં શોકની લાગણી : ૧૯૮૬ બેચના ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર હતાઃ એરપોર્ટ ઓથોરીટીના અધ્યક્ષ પણ રહી ચૂકયા હતાઃ વાણિજ્ય મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવી હતી

નવી દિલ્હી, તા. ૧૯ :. ઉદ્યોગોના પ્રમોશન અને ઈન્ટરનલ ટ્રેડ વિભાગના સેક્રેટરી ડો. ગુરૃપ્રસાદ મહાપાત્રાનું દુઃખદ અવસાન થયુ છે. તેઓના મોતના સમાચાર ખુદ વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે આપ્યા છે. ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર કોરોના સામેનો જંગ હારી ગયા છે. તેઓ એરપોર્ટ ઓથોરીટીના અધ્યક્ષ પણ રહી ચૂકયા હતા અને એ દરમિયાન તેમણે એરપોર્ટ ઓથોરીટીને એક નવી દિશા પણ આપી હતી. તેઓેએ રાજકોટ અને જૂનાગઢના કલેકટર તરીકે પણ ફરજ બજાવી હતી. ૧લી ઓગષ્ટ ૨૦૧૯થી તેઓ ઉદ્યોગોના પ્રમોશન અને ઈન્ટરનલ ટ્રેડ વિભાગના સેક્રેટરી હતા.

ગુરૃપ્રસાદ મહાપાત્રા ૧૯૮૬ની બેચના ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર હતા તેઓ લોકપ્રિય સાહિત્યકાર સ્વ. મહાપાત્રા નિલમણી સાહુના સૌથી નાના પુત્ર હતા. તેઓએ વાણિજ્ય મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરીની પણ ભૂમિકા ભજવી હતી. જેમા તેઓએ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનના પ્રમોશન માટે પણ ઘણુ કામ કર્યુ હતું.

કોરોના મહામારીએ સામાન્ય નાગરીકથી લઈને દિગ્ગજોનો જીવ લીધો છે. તેમા આજે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગુરૃપ્રસાદ મહાપાત્રા છેલ્લા દોઢ મહિનાથી દિલ્હીની એઈમ્સમાં દાખલ હતા. એટલુ જ નહિ તેઓ કોરોનાથી પીડીત હતા. તેમની તબીયત સતત લથડતા તેઓ થોડા દિવસથી કોમામા પણ સરી પડયા હતા. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

તેમના નિધનથી આઈએએસ ઓફિસરોમાં શોકની લાગણી ફરી વળી છે.

ગુરૃપ્રસાદ મહાપાત્રા એક પ્રમાણિક અને ફરજનિષ્ઠ અધિકારી તરીકે ઓળખાતા હતા. તેઓ અસરકારક કામગીરી કરવા માટે જાણીતા હતા. રાજકોટ અને જૂનાગઢના કાર્યકાળ દરમિયાન તેમણે સારી એવી કામગીરી બજાવી હતી.

મૂળ ઓરિસ્સાના ભૂવનેશ્વરના વતની શ્રી ગુરૃપ્રસાદ મહાપાત્ર અગાઉ રાજકોટ અને જૂનાગઢમાં જિલ્લા કલેકટર, સુરત અને અમદાવાદમાં મ્યુ. કમિશનર, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયામાં ચેરમેન વગેરે મહત્વના પદ પર રહી ચૂકયા હતા. કાર્યદક્ષ અધિકારી તરીકે જાણીતા હતા. પોતાની કાર્યશૈલીથી લોકપ્રિય બન્યા હતા. (પરિવારનો સંપર્ક નં. ૦૯૯૯૯૨ ૬૦૧૦૪ નવી દિલ્હી)

(12:03 pm IST)