Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ધો. ૧૦ - ૧૨ના રીપીટર છાત્રોની પરીક્ષા ૧૫ જુલાઇથી પ્રારંભ

રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઇને શિક્ષણ બોર્ડનો નિર્ણય : પરીક્ષાનો સત્તાવાર કાર્યક્રમ ટુંક સમયમાં જાહેર થશે

રાજકોટ તા. ૧૯ : ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ ધો. ૧૦ - ૧૨ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો તા. ૧૫ જુલાઇથી પ્રારંભ થશે. ધો. ૧૦ - ૧૨ના રીપીટર વિદ્યાર્થીઓનો પરીક્ષાનો વિગતવાર સત્તાવાર કાર્યક્રમ ટુંક સમયમાં જાહેર થશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર અખબારી યાદી દ્વારા જણાવે છે કે, રાજય સરકારશ્રી હારા ધોરણ-૧૨ના નિયમિત, રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની બોર્ડની જાહેર પરીક્ષા તા.૦૧/૦૭/૨૦ર૧થી યોજવા જાહેરાત કરેલ હતી પરંતુ તે સમયની કોરોના સંક્રમણની પરિસ્થિતિ ધ્યાને લઇને, તે પરીક્ષાઓ મોકુફ રાખવાનો નિર્ણય તા.૦ર/૦૬/ર૦ર૧ના રોજ લીધેલ હતો.

રાજય સરકારશ્રી દ્વારા હાલની કોરોના સંક્રમણની સ્થિતિનું મૂલ્યાંકન કરીને, ઘટતા જતા સંકમણની પરિસ્થિતિને ધ્યાને લઇ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા યોજવા નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા તા.૧૫/૦૭/૨૦૨૧ ગુરૂવારથી યોજવામાં આવશે. પરીક્ષા અંગેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. શાળાના આચાર્યોએ ધોરણ-૧૦ અને ધોરણ-૧રના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોને તથા તેઓના વાલીઓને જાણ કરવાની રહેશે. તેમ શિક્ષણ બોર્ડની એક યાદીમાં જણાવાયું છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં અભ્યાસ કરતા ધો. ૧૦ના ૮ લાખ ૬૦ હજાર વિદ્યાર્થીઓને કોરોનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.

(3:26 pm IST)