Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

મુખ્યમંત્રીનો ચહેરો ગણાતા

તાજેતરમાં 'આપ'માં જોડાયેલ ઈસુદાન ગઢવીનો સૌરાષ્ટ્રમાં પૂરજોશમાં પ્રચાર-પ્રસાર

ગ્રામ્ય વિસ્તારમાં જબ્બર લોકચાહના ધરાવનાર ઈસુદાનભાઈના વિવિધ શહેરોમાં હોર્ડીંગ લાગ્યા : કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે ત્યારે ઈસુદાન ગઢવીના સંદર્ભે ભાજપ દાણો દબાવશે ?

રાજકોટ, તા. ૧૯ :  ગુજરાતના રાજકીય પક્ષો વિધાનસભાની ર૦રર ની ચૂંટણીની તૈયારીમાં ઝંપલાવી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત દરમિયાન વીટીવીના ''મનોમંથન'' નિષ્ણાંત શ્રી ઇસુદાનભાઇ ગઢવી જોરશોરથી 'આપ'માં જોડાઇ ગયા છે.

'આપ' દ્વારા ર૦રર ની વિધાનસભાની ચૂંટણીમાં શ્રી ઇસુદાનભાઇ ગઢવી સંભવતઃ મુખ્યમંત્રીનો ચહેરો બનવાની પણ પ્રબળ શકયતા દેખાઇ રહી છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રનાં ગ્રામ્ય વિસ્તારમાં જબ્બર લોકચાહના ધરાવનાર પૂર્વ પત્રકાર ઇસુદાનભાઇ ગઢવીના વિવિધ શહેરોમાં 'આપ' ના પ્રચારાર્થે મોટા-મોટા હોર્ડીંગ લાગ્યા હોવાનું જાણવા મળે છે. તેઓએ 'આપ'  ના સમર્થનમાં તથા 'આપ'  દ્વારા લોકમત પોતાની તરફ વાળવા માટેના પ્રયત્નો અત્યારથી જ પુરજોશમાં શરૂ કરી દીધા હોવાનું દેખાઇ રહ્યું છે.

આવતીકાલ અને પરમ દિવસ (રવિવાર-સોમવાર) એમ બે દિવસ માટે કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે ભાજપની નેતાગીરી દ્વારા યેનકેન પ્રકારે ઇસુદાનભાઇ ગઢવીને 'આપ'  થી દૂર કરી પોતાની તરફ વાળવાના પણ પ્રયત્નો કરવામાં આવશે તેવી કર્ણોપકર્ણ ચર્ચા સાંભળવા મળે છે.

જો કે ભાજપના અમુક સુત્રો માની રહ્યા છે કે ભાજપ હાલમાં ખુબ જ સક્ષમ છે. અને ર૦રરની વિધાનસભાની ચૂંટણીમાં પણ સ્પષ્ટ બહુમતી સાથે 'મહાવિજય'  મેળવશે જેમાં બેમત નથી. ચૂંટણીઓ નજીક આવે એટલે નવા-નવા રાજકીય પક્ષો અને આગેવાનો મેદાનમાં ન આવે તો જ નવાઇ, એવું પણ રાજકીય પંડીતો જણાવી રહ્યા છે.

(3:30 pm IST)