Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

વડોદરામાં ચોમાસાની શરૂઆતમાં દુષિત પાણીની સમસ્યા સામે આવી:લોકોમાં સ્વાસ્થ્ય જોખમનો ભય

વડોદરા:શહેરમાં ઘણા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે, અને ખાસ તો પાણી પ્રેશરથી મળતું નથી, અને મળે છે તો તે દૂષિત હોય છે. હાલ ચોમાસુ શરૂ થઇ ગયુ છે, અને દુષિત પાણીને લીધે પાણીજન્ય રોગચાળો વકરે તેવી સ્થિતિ સર્જાઈ છે. નાગરવાડા માળી મહોલ્લામાં અઠવાડિયા અગાઉ દૂષિત પાણીથી ત્રણ મહિલાનાં મોતનો બનાવ તાજો જ છે. કોર્પોરેશનની સમગ્ર સભામાં પણ ગંદા પાણી અને અપૂરતા પ્રેશરની ફરિયાદો ઉઠી હતી. શિયાબાગ, બોરડી ફળિયા, મરી માતાનો ખાંચો વગેરે વિસ્તારમાં ગંદા પાણીની તકલીફ છે.જ્યારથી જેલરોડ ટાંકી તોડી નાખી છે, ત્યારથી ૩૦ હજારની વસ્તીને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી.

આ ઉપરાંત નવાપુરા ,પૂનમ કોમ્પ્લેક્ષ, ડભોઇ રોડ, સોમા તળાવ, કપુરાઈ વગેરે વિસ્તારમાં ગંદુ અને જીવાત વાળું પાણી મળે છે. શહેરના ટીપી 13  શ્રી દર્શન સોસાયટીમાં કેટલાક ઘરમાં છેલ્લા પંદર દિવસથી પાણી ગટરનું હોય તેવું મિક્સ થઈને આવે છે. વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કોર્પોરેટર એ પાણી પુરવઠા અધિકારીને વારંવાર જાણ કરી તો એવો જવાબ મળે છે કે વોર્ડ ઓફિસ કામ કરશે, અને ઓફિસે ફોન કરતા એવું કહેવાય છે કે આ કામ પાણીપુરવઠા વાળાનું છે, તે કરશે. આમ, એકબીજા પર જવાબદારી નાખીને કામ કરતાં જ નથી. લોકોના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી આ ગંભીર બાબત હોય બેદરકારી દાખવવા બદલ પાણી પુરવઠા ખાતાના બંને અધિકારીને નોટિસ આપવા માંગ કરી છે.

(5:15 pm IST)