Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ખેડૂતો માટે સબસિડીવાળા યુરિયા ખાતર કરતાં પણ 10 ટકા ઓછા ભાવે નેનો યુરિયા-લિક્વિડ અમારી સરકાર ઉપલબ્ધ કરાવશે:મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

વિશ્વમાં સૌપ્રથમ નેનો યુરિયા- લિક્વિડ તૈયાર કરવામાં IFFCO કલોલની નવતર પહેલ:ગાંધીનગરથી મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ઇફકો- કલોલ દ્વારા ઉત્પાદિત પર્યાવરણ અનુકૂળ વિશ્વના પ્રથમ નેનો યુરિયા ખાતર-લિક્વિડના જથ્થાને વર્ચ્યુઅલ લીલીઝંડી અપાઈ

ગાંધીનગર : ખેડૂતોના હિતમાં તેમની ભૂમિ- જમીનનું સંતુલન જળવાઈ રહે અને સબસિડીવાળા યુરિયા કરતાં પણ 10 ટકા ઓછા ભાવે નેનો યુરિયા-લિક્વિડ અમારી સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું.

 

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઇફકો-કલોલ યુનિટ દ્વારા ઉત્પાદિત પર્યાવરણ અનુકૂળ વિશ્વના પ્રથમ નેનો યુરિયા ખાતર-લિક્વિડના જથ્થાને આજે ગાંધીનગરથી વર્ચ્યુઅલી લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ઇફકો ક્લોલના નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા વિશ્વમાં સૌપ્રથમ નેનો યુરિયા-લિક્વિડ વિકસાવવાની નવતર પહેલ કરી છે તે આપણા માટે ગૌરવ સમાન છે. નેનો ફર્ટિલાઇઝર આગામી સમયમાં પરંપરાગત ખેતીની દિશા અને દશા બદલવાની સાથે ખેડૂતોને આર્થિક ફાયદો પણ કરાવશે. કિસાન સમૃદ્ધ હશે તો જ ગામ સમૃદ્ધ અને ગામ સમૃદ્ધ હશે તો જ શહેર તેમજ સમગ્ર અર્થવ્યવસ્થા સમૃદ્ધ બનશે.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્રમાં સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ ખેડૂતોની મુશ્કેલીઓ અને સમસ્યાઓનું સમાધાન થયું છે. અગાઉ યુરિયા ખાતરનો ઉપયોગ ખેતી કરતા ઉદ્યોગોમાં વધુ થતો હતો જેથી ખેડૂતોને યુરિયા ખાતરની હંમેશા ઘટ રહેતી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુરિયાને નીમ કોટેડ કરવાનો નિર્ણય કર્યો ત્યારથી ખેતી માટે યુરિયા ખાતર સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડૂતો કૃષિ હંમેશા પ્રાથમિકતા આપી છે. તાઉ’તે વાવાઝોડાનો સામનો કરવા માટે રાજ્ય સરકારે ખેડૂતોને પાક ધિરાણ ભરપાઇ કરવાની મુદ્દત પણ વધારીને તા. ૩૦ જૂન કરી છે જ્યારે સરકારે ખેડૂતોને પાક ધિરાણ પણ ઝીરો ટકાના દરે આપે છે. દિવસે કામ અને રાત્રે આરામના મંત્ર સાથે ગુજરાતના ખેડૂતોને રાત્રે ખેતરમાં કામ કરવું ન પડે તે માટે દિવસે વિજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં બાગાયતી પાકને પ્રોત્સાહન આપવા માટે બંઝર જમીનનો ઉપયોગ કરવા રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાગાયત વિકાસ મશીનની શરૂઆત કરી છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઇફ્કોની ટીમને નેનો યુરિયા તૈયાર કરવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી.
આ પ્રસંગે ઇફ્કોના MD અવસ્થિએ સ્વાગત પ્રવચન કરીને નેનો યુરિયા- લિક્વિડના ફાયદાઓની સમજ આપી હતી જ્યારે ઇફ્કોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ કલોલ ખાતેથી આભારવિધિ કરી હતી.
આ ફ્લેગ ઓફ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયા, સંયુક્ત MD સહિત IFFCOના અધિકારીઓ ઇ-માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.

(6:38 pm IST)