Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

રસીકરણ માટે નાનાકડા ગામના PHC સબ સેન્ટરના કર્મચારીઓની કમાલની કામગીરી

મહેસાણાના ચાણસોલ પીએસચસી સેન્ટરના સબ સેન્ટર ડભાડ પીએચસી સેન્ટરમાં નિરક્ષર લોકોને પણ રસી લીધા વગર પરત જવું પડતુ નથી:કર્મચારીઓ નિભાવી રહ્યાં છે બેવડી કામગીરી

અમદાવાદ :ગુજરાતમાં તેજ ગતિએ રસીકરણ ચાલી રહ્યું છે. પ્રથમ પક્તિમાં ઉભેલા કોરોના વોરિયર્સ કોવિડ-19ને માત આપવા માટે ઝડપીમાં ઝડપી રસીકરણ અભિયાન ચલાવી રહ્યાં છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન એક સમસ્યા રૂપે સામે આવી રહ્યું છે. તેમાં ખેતરમાં કામ કરતા અક્ષરજ્ઞાન ન ધરાવતા લોકો અને જેમના પાસે ઉપકરણ ના હોય તેવા લોકોને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવામાં મુશ્કેલી પડી રહી છે. જોકે, આ બાબતે પણ કોરોના વોરિયર્સ લોકોને મદદ રૂપ બની રહ્યાં છે.

આવી જ એક ઝડપી અને સુંદર કામગીરી મહેસાણા જિલ્લાના ચાણસોલ પીએસચસી સેન્ટરના સબ સેન્ટર ડભાડ પીએચસી સેન્ટરમાં જોવી મળી રહી છે. સુવ્યવસ્થિત મેનેજમેન્ટના કારણે રજિસ્ટ્રેશન કરાવ્યા વગર આવતા નિરક્ષર લોકોને પણ રસી લીધા વગર પરત જવું પડતુ નથી.

ડભાડના પીએચસી સેન્ટરમાં કામગીરી કરી રહેલા કોરોના વોરિયર્સે એવી પદ્ધતિ અપનાવી છે કે, લોકોના ટોળા પણ ભેગા થાય નહીં અને સરળ રીતે બધા લોકોને રસી આપી દેવામાં આવે. ડભાડ પીએચસી સબસેન્ટર ટોટલ ચાર કર્મચારીઓ ફરજ નિભાવે છે. જેમાં મનુબેન દેસાઇ જેઓ રસી આપવાનું કામ કરે છે. તો ભરતભાઇ નિનામા અને મહેન્દ્રભાઇ પરમાર ઓનલાઈન રજિસ્ટ્રેશનનું કામ કરે છે.

ભરતભાઇ કોઈ વ્યક્તિ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યા વગર આવે છે, તેમનું રજિસ્ટ્રેશન કરી આપે છે તો મહેન્દ્રભાઈ પરમાર ઓનલાઈન રજિસ્ટ્રેશન પછીની કામગીરી સહિત ઓફલાઈન એન્ટ્રી કરે છે. નફિસા બેન સિપાઇ લોકોને દવા આપવા સહિત વ્યવસ્થિત મેનેજમેન્ટ સચવાઇ રહે તે માટે મનુબેનના સૂચન પ્રમાણે રસી લેવા આવેલા લોકોને મેનેજ કરે છે.

આ સેન્ટર પર લોકોને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી આપીને તેમને રસી આપ્યા પછી જરૂરી સૂચનો પણ આપવામાં આવે છે. આ સૂચનોમાં રસી લીધી પછી શું કાળજી લેવી તે અંગે પણ સજાગ કરવામાં આવે છે. પ્રથમ ડોઝ લીધા પછી બીજો ડોઝ ક્યારે લેવો તે અંગેની માહિતી પણ સાથો-સાથ આપતા રહે છે.

આ ચાર સભ્યોની ટીમ દ્વારા ગામમાં એક પણ વ્યક્તિ કોરોનાની રસી વગર રહી ના જાય તે માટે તમામ રીતની જાગૃત્તા ફેલાવવામાં આવી રહી છે. ડભાડ ગામમાં 45 પ્લસની ઉંમરવાળા લોકોને બીજો ડોઝ આપવાની કામગીરી ઝડપી થાય તે માટે ટીમ દ્વારા ઘરે-ઘર સુધી તેની જાણકારી પહોંચાડવામાં આવે છે. તેથી બીજા ડોઝની કામગીરી પણ ઝડપી ચાલી રહી છે.

ઉલ્લેખનિય છે કે, કોરોનાની પ્રથમ લહેરની કામગીરી દરમિયાન મનુબેન કોરોના સંક્રમિત થઈ ગયા હતા. તે છતાં તેઓ હિંમત હાર્યા વગર સ્વસ્થ્ય થઇને ફરીથી લોકોના જીવ બચાવવાની કામગીરીમાં જોડાઇ ગયા છે. ગામમાં કામ કરતી આશા બહેનોને ઘરે-ઘરે જઈને લાભાર્થીઓને બોલાવવાની કામગીરી સોંપી દેવામાં આવી છે. જેથી ગામનો એકપણ વ્યક્તિ રસીકરણ વગર રહી જાય નહીં. ગામમાં સ્વભાવિક રીતે ખેતરોમાં રહેતા લોકોને રસીકરણ વિશે જાગૃત્તિ ઓછી હોય છે તેવામાં આશા બેનો દ્વારા રસીકરણ વિશે જાગૃતિ પૂરી પાડ્યા સહિત તેમને રસીકરણ અંગેની માહિતી તેમના સુધી પહોંચાડે છે.

ડભાડ પીએચસી સબસેન્ટરમાં કામગીરી કરી રહેલા મનુબેન દેસાઇ, નફીસા બેન, મહેન્દ્રભાઈ પરમાર અને ભરતભાઇ નિનામા ખુબ જ પ્રશંસનિય કામગીરી કરી રહ્યાં છે. ત્રીજી કોરોનાની લહેરની આશંકાને જોતા તેઓ ડભાડ સહિત આસપાસના ગામડાના લોકોનું ઝડપીમાં ઝડપી રસીકરણ કરીને આગામી દિવસોમાં જાનહાનિ ટાળવાની પોતાની તમામ કોશિશો કરી રહ્યાં છે.

આ નાનકડી ટીમની કામગીરીના વખાણ કરીએ તેટલા ઓછા છે. સરકારે આવા કોરોના વોરિયર્સને પ્રોત્સાહન પુરૂ પાડવું જોઈએ. આ ટીમ ગુજરાતભરના પીએચસી સેન્ટરો માટે ઉદાહરણ રૂપ છે.

(8:17 pm IST)