Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ખેરગામ DGVCLનાં ડેપ્યુટી ઈજનેર એ.કે. પટેલ પાસે એસ.ઇ. જી.ડી.ભૈયાએ કામમાં બેદરકારી બાબતે ખુલાસો માંગ્યો: ખેરગામ વિસ્તારમાં ખુલ્લી વીજડીપીને કારણે કોઈકનું મોત થશે તો જવાબદારી કોની?

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ : ખેરગામ વીજ કચેરીએ અરજદારોને  સંતોષકારક જવાબ આપતા નથી. અરજદાર કામ માટે વિજકચેરીએ અનેક ચક્કર માર્યા બાદ પણ નિકાલ ન આવતો હોવાની ચર્ચા છે.ખેરગામ વિસ્તારમાં નમી પડેલા વીજપોલો, ખુલ્લા ફ્યુઝબૉક્સ, ખુલ્લી વીજડીપીની તસ્વીર સહીત અખબારી અહેવાલો પ્રકાશિત થયા બાદ પણ કોઈ કામગીરી ન થતાં ઉપરી અધિકારીઓનું પણ કંઈ ઉપજતું ન હોઈ એવું લાગી રહ્યું છે.  

   વિજવિભાગના ખેરગામ શાખાના જ નહીં, પરંતુ ઉચ્ચ સ્તરે બેઠેલા અધિકારીઓ પણ લોકોની સલામતી ઇચ્છતા નથી એવું લાગી રહ્યું છે. વીજ કર્મચારીઓ લોકોની સુરક્ષા બાબતે બેદરકાર બન્યા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. ખુલ્લી વિજડીપીને કારણે કોઈકનો જીવ  જશે તો જવાબદારી કોની રહેશે એવાં પ્રશ્ર લોકમાનસમાં ઉઠી રહ્યો છે.  

   આ બાબતે વલસાડ ડિવીઝનના એસ.ઇ. જી.ડી. ભૈયાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે ખેરગામ વીજ કંપનીના નાયબ ઈજનેર એ.કે. પટેલને નોટીસ આપી ખુલાસો માંગવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. સાથે જે પણ જોખમરૂપ ફ્યુઝબૉક્સ, ડીપી, ટ્રાન્સફોર્મર હોય તેનું સમારકામ તાત્કાલિક ધોરણે કરવા સૂચના આપી હોવાનું જણાવ્યું હતું.

(8:53 pm IST)