Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

વડોદરાના અજબડી મીલ નજીક ફ્લેટમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 11 જુગારીઓને ઝડપી પાડ્યા

વડોદરા: શહેરના અજબડી મીલ તેમજ ડભોઇ રોડના ફ્લેટમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે છાપા મારી 11 જુગારીયાઓને ઝડપી પાડયા છે. 

અજબડી મીલ નજીક જાહેરમાં કેટલાક સમયથી જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની વિગતોના પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે છાપો મારી સાત જુગારીયાઓને રોકડા રૂ.1.40 લાખ સાથે ઝડપી પાડયા હતા. પોલીસે જુગારીયાઓ પાસે 10 મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા.

પોલીસે જુગારધામના સૂત્રધાર મનાતા હુસેન ખાન ઉસ્માનખાન પઠાણ તેમજ અફઝલ ખાન ઉર્ફે અનુ ઉસ્માનખાન પઠાણ (બંને રહે કલ્યાણ નગર, યાકુતપુરા) ને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.અન્ય એક બનાવમાં ડભોઇ રોડ ઉપર આવેલા હરિ સાંઈ કોમ્પ્લેક્સના પાંચમે માળે રહેતા રોહિત રમણભાઈ વાળા તેમના ફ્લેટમાં જુગાર રમાડી રહ્યા હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી રોહિત વાળા તેમજ અન્ય ત્રણને ઝડપી પાડયા હતા.

(5:48 pm IST)