Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

ભરૂચમાં સંભવિત પૂરનું જોખમ ટાળવા નર્મદા ડેમના 13 દરવાજા બંધ કરાયા

ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીમાં ઘટાડાને પગલે સવારે 11 કલાકથી નર્મદા ડેમના પાણીની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો

ભરૂચમાં સંભવિત પૂરનું જોખમ ટાળવા માટે આખરે નર્મદા ડેમના 13 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. હાલ 10 દરવાજામાંથી 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીમાં ઘટાડાને પગલે સવારે 11 કલાકથી નર્મદા ડેમના પાણીની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. તો છેલ્લા 5 દિવસથી નર્મદા ડેમના 23 દરવાજા ખોલાતા ભરૂચમાં સંભવિત પૂરનું જોખમ તોળાઈ રહ્યું હતું. જોકે 13 દરવાજા બંધ કરાતા આખરે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. નર્મદા ડેમની સપાટી 135.46 મીટર નોંધાઈ છે. તો ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક 1 લાખ 84 હજાર 556 ક્યુસેક થઈ છે.
નર્મદા ડેમના 10 દરવાજા ખોલી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. અગાઉ નર્મદા ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યુ હતુ. જો કે હવે ડેમના 13 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ભરૂચ નજીક નર્મદા નદીનું જળસ્તર આજે સતત ત્રીજા દિવસે ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે. જેના પગલે ભરુચમાં પૂરનું જોખન તોળાતુ હતુ. ત્યારે આ જોખમને ઘટાડવા માટે હવે ડેમના માત્ર 10 જ દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યુ છે.ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટી વધતા ખેડૂતોને સિંચાઈના પાણી માટે મોટી રાહત થશે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.46 મીટર પર પહોંચી છે. જયારે પાણીની આવક 1 લાખ 84 હજાર 556 ક્યુસેક છે.

(3:39 pm IST)