Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

ક્યાંક વરસાદમાં તો ક્યાંક ભારે હૈયે બાપ્પાનું વિસર્જન થયું

૧૦ દિવસ પૂજા કર્યા બાદ વિસર્જન કરવામાં આવ્યુ : સુરતમાં તંત્ર દ્વારા ગણેશ વિસર્જનની તૈયારીઓ કરી દેવામાં આવી છે, સુરત મનપા દ્વારા ૧૯ કૃત્રિમ તળાવો બનાવાયા છે

અમદાવાદ,તા.૧૯ : રાજ્યભરમાં આજે અનંત ચૌદશે વિધ્નહર્તાની વિદાય થઈ રહી છે. ત્યારે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે. તો વરસતા વરસાદમાં પણ લોકો ગણપતિ દાદાનું વિસર્જન અનેરા ઉત્સાહથી કરી રહ્યા છે. અમદાવાદ સહિત મોટા શહેરોમાં વિવિધ સ્થળો પર ગણેશ વિસર્જનની તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદની વાત કરીએ તો સાબરમતી નદીમાં મૃર્તિ વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ગણેજ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. ૧૦ દિવસ પૂજા કર્યા બાદ આજે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વાજતે-ગાજતે બાપ્પાની વિદાય થઇ રહી છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર ૪૧ કૃત્રિમ કૂંડ તૈયાર કરાયા છે.

           એક અંદાજ પ્રમાણે, નવસારી જીલ્લામાં ૩૦૦૦થી વધુ ગણેશજીની નાની-મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. નવસારી જિલ્લામાં ૪૪ જેટલા વિવિધ સ્થળો પર વિસર્જન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. વિસર્જનમાં કાયદા અને વ્યવસ્થાનું પાલન કરવામાં આવે તે હેતુથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોવિડ-૧૯ના નિયમોને ધ્યાનમાં રાખી એક મૃર્તિ સાથે માત્ર ૧૫ લોકોને જ જવાની મંજૂરી છે. સુરતમાં તંત્ર દ્વારા ગણેશ વિસર્જનની તૈયારીઓ કરી દેવામાં આવી છે. સુરત મનપા દ્વારા ૧૯ કૃત્રિમ તળાવો બનાવાયા છે.

            તાપી નદીમાં વિસર્જન કરવા દેવાશે નહીં. આ ઉપરાંત ૨ ફૂટની મૂર્તિ ઘરે જ વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે. સુરતના અલગ અલગ ૮ ઝોનમાં કૃત્રિમ તળાવો બનાવાયા છે. વડોદરામાં આજે ગણેશ વિસર્જનના દિવસે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભક્તો વરસતા વરસાદમાં પણ વિસર્જન કરવા માટે ઉત્સાહપૂર્વક આવી રહ્યા છે. વડોદરા શહેર પોલીસ કમિશનરે આજે ગણેશ વિસર્જન નિમિત્તે રેપિડએક્શન ફોર્સની એક કંપની તેમજ એસઆરપીની ૯ કંપની તૈનાત રાખી છે.આ ઉપરાંત તમામ ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસના ૨૮૦૦ જવાનો અને હોમગાર્ડના ૩૬૦૦ જવાનો પણ બંદોબસ્તમાં જોડાયા છે. રાજકોટમાં પણ ગણેશ વિસર્જન માટે ભક્તો ભારે હૈયે અને ઉત્સાહ સાથે આની રહ્યા છે. શહેરમાં આઠ સ્થળે ગણપતિ વિસર્જન કરવા માટે કુત્રિમ કુંડ પણ બનાવવામાં આવ્યા છે. સવારે ૭ વાગ્યાથી લઈ ગણપતિ વિસર્જન પુરૂ થાય ત્યાં સુધી વિસર્જનના તમામ સ્થળોએ ફાયરબ્રીગેડ ઉપરાંત પોલીસ કાફલો તહેનાત રહેશે.

(7:49 pm IST)