Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

MLA ગેનીબેને ભાભરથી નડેશ્વરીની પદયાત્રા કરી

પંથકમાં સારો વરસાદ થતા પદયાત્રા કરી : સારો વરસાદ થાય તેના માટે ગેનીબેન ઠાકોરે માનતા માની હતી : ગેનીબેન સાથે સ્થાનિકો પદયાત્રામાં જોડાયા

અમદાવાદ, તા.૧૯ : ગુજરાતમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી હતી, અને વરસાદ ઓછો થતા આગામી સમયમાં કેવી સ્થિતિ થશે તેવી ચિંતા હતી પરંતુ ચોમાસાના અંતમાં ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતો અને રાજ્યના નાગરિકોએ હાશકારો લીધો છે. આવામાં રાજ્યમાં સારો વરસાદ થાય તે માટે પૂજા, હવનો અને માનતાઓ પણ રાખવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે માનતા માની હતી કે સારો વરસાદ થશે તો તેઓ પદયાત્રા કરશે. માનતા પૂર્ણ થતા તેમણે આજે ભાભરથી નડાબેટ સુધીની પદયાત્રા કરી હતી.

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેને વરસાદ ખેંચાતા રક્ષાબંધનના દિવસે માનતા રાખી હતી કે, જો સમગ્ર પંથકમાં સારો વરસાદ તેઓ નેડેશ્વરી પગપાળા યાત્રા કરીને તમારા ચરણે આવશું. આ પછી સારો વરસાદ થતા આજે ગેનીબેને પદયાત્રા કરી હતી, જેમાં તેમના સમર્થકો અન કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમની સાથે જોડાયા હતા. માનતા રાખ્યા બાદ સારો વરસાદ થતા તેમણે રાહત અનુભવી હતી અને પગપાળા નડેશ્વરીમાતા પહોંચ્યા હતા.

રાજ્યમાં ચોમાસાના અંતમાં સારો વરસાદ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં પણ સારો વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આજે પણ અમદાવાદ સહિત રાજ્યમાં સારો વરસાદ થયો છે. આજે દાહોદમાં સવારથી સારો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આગામી દિવસોમાં રાજ્યમાં ઉત્તર, દક્ષિણ તથા સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થવાની આગાહી છે. જેમાં ૨૦ અને ૨૧ સપ્ટેમ્બર દરમિયાન ડાંગ, વલસાડ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, નવસારી અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ પછી ૨૨ સપ્ટેમ્બરના રોજ ખેડા, વડોદરા, વલસાડ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી અન નવસારીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. આ દિવસો દરમિયાન વરસસાદ સાથે ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

(7:54 pm IST)