Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં મહાઅભિયાન થયું સંપન્ન

મહાનગરપાલિકાની ટીમો દ્વારા 414353 ઘરોની મુલાકાત : 9543 ઘરોમાં મચ્છરના પોરા મળ્યા : 81471 જગ્યાએ સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થાનો જણાતા તેનો નાશ કરાયો :7569 તાવના દર્દીઓ મળતા લોહીના નમૂના પણ લેવાયા

અમદાવાદ : રાજયમા કોરોનાના કેસોનો ઘટાડો થયો છે. તેની સામે ચીકનગુનિયા તથા ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય કેસોમાં વધારો નોંધાયો છે. ત્યારે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ આજે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં એક મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, રાજયની મહાનગરપાલિકાઓમા યોજાયેલ આ અભિયાનમાં મહાનગરપાલિકાની ટીમો દ્વારા 414353 ઘરોની મુલાકાત લેવામાં આવી તે પૈકી 9543 ઘરોમાં મચ્છરના પોરા જોવા મળ્યા. ટીમ દ્વારા આ પોરાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો વધુમાં 81471 જગ્યાએ સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થાનો જણાતા તેનો પણ નાશ કરવામાં આવ્યો. 7569 તાવના દર્દીઓ મળી આવતાં તેઓના લોહીના નમૂના પણ લેવામાં આવ્યા હતા.

આ મહા અભિયાન દરમિયાન 326 સુપરવાઇઝરો દ્વારા સંપૂર્ણ કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. તમામ જગ્યાએ વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મચ્છર ઉત્પત્તિ ન થાય તેના માટે પ્રચાર અને પ્રસાર હાથ ધરવામાં આવ્યો. આગામી સમયમાં મચ્છર જન્ય રોગોથી કેવી રીતે બચવું જોઈએ તેના માટે પણ પૂરતી સમજ પૂરી પાડવામાં આવી હતી. આ અભિયાનમાં મહાનગરપાલિકાની કુલ 2158 ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ટીમમાં મલ્ટી પર્પસ વર્કર, સેનેટરી ઇન્સ્પેક્ટર, ફિમેલ હેલ્થ વર્કર અને આશાબેનો દ્વારા આ અભિયાન હાથ ધરીને પરિણામલક્ષી કામગીરી કરવામા આવી છે એમ આરોગ્ય વિભાગની યાદીમા જણાવાયુ છે.

યાદીમા વધુમા જણાવ્યા અનુસાર ચોમાસા દરમિયાન સામાન્ય રીતે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા મચ્છર જન્ય રોગોમાં વધારો થતો હોય છે. અને તેને નિયંત્રણમાં રાખવા માટે મચ્છર નિયંત્રણની કામગીરી ખૂબ જરૂરી છે જેમાં મચ્છર ઉત્પત્તિ ન થાય તે માટે તકેદારી રાખવાની હોય છે સામાન્ય રીતે મેલેરિયા અને મેલેરીયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયા ના મચ્છરો ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થતા હોય છે એટલે જ્યાં વરસાદી પાણી ભરાતું હોય ત્યાં તેમાં પાત્રોમાં પોરા ઉત્પન્ન ના થાય તે માટે સરકાર દ્વારા નિયમિત કામગીરી હાથ ધરવામાં આવે છે તેમાં જન ભાગીદારી પણ એટલી જ આવશ્યક છે

(9:18 am IST)