Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

ભારે વરસાદને પગલે ડેડીયાપાડામાં કુંભખાડી ગામે આવેલો પુલ તૂટી જતા વાહનવ્યવહાર ખોરવાયો

લો લેવલ પુલ હોવાને કારણે દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પુલ તૂટી જાય છે. ઊંચો પુલ બનાવવા ગામ લોકોની માંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને કારણે નદીઓમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. ડેડીયાપાડા તાલુકામાં આવેલ કુંભખાડી ગામને તાલુકા મથકને જોડતા રસ્તામાં આવતો પુલ ભારે વરસાદને પગલે તૂટી જતા હાલ વાહન વ્યવહાર બંધ થયો છે.ગામ લોકોનું કહેવું છે કે લો લેવલ પુલ હોવાને કારણે દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પુલ ઉપરથી નદીનું પાણી જાય છે અને પુલ તૂટી જાય છે. માર્ગ મકાન વિભાગ દ્વારા ફક્ત માટીનું પુરાણ કરી દેવાય છે જેને કારણે દર વર્ષે આવી સમસ્યા બને છે. છેલ્લા ત્રણ દિવસથી પુલ તૂટી જતા હાલ ગામ લોકોને તાલુકા મથકે જવા માટે 7 કિમીનો ફેરો ફરવો પડે છે. શાળા- કોલેજ જતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ તેમજ તાલુકા મથકે પોતાના કામો માટે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામ લોકોની માંગણી છે કે આ પુલ નવો ઊંચો અને મજબૂત બનાવવામાં આવે.

 

(10:16 pm IST)