Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

ગુજરાતના 28 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ:111 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા અને 30 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ

નર્મદા ડેમમાં પાણીની આવક યથાવત્: ડેમમાં 7.85 લાખ ક્યુસેક પાણીની આવક: ડેમમાંથી 4.94 લાખ ક્યુસેક પાણી છોડાયું:

અમદાવાદ : મધ્યભારતમાં વરસેલા જોરદાર વરસાદની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. રાજ્યની વિવિધ નદીઓમાં સતત જળસ્તર વધી રહ્યું છે. નદીની જળસપાટીમાં સતત વધારો થતા અનેક વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં સરદાર સરોવર ડેમ સહિતના જળાશયો છલોછલ ભરાયા છે. ધરોઈ, ઘોડાધ્રોઈ , મુક્તેશ્વર સહિતના અનેક નાના મોટા ડેમોમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે.

ધરોઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે. ડેમના 4 દરવાજા ખોલી ધરોઈ જળાશયમાંથી પાણી છોડાયું છે. જેના પગલે સપ્તેશ્વર મંદિર પાસે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. પાણીના પ્રવાહની વચ્ચે પ્રવાસીઓએ ન્હાવાની મજા માણી હતી.
  મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ સંપૂર્ણ ભરાયો છે. ડેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલાયા છે. મોરબી અને માળિયા તાલુકાના 10 ગામને અલર્ટ કરાયા છે. 5 હજાર 600 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
નર્મદા ડેમમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે. ડેમમા 7.85 લાખ કેયુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમમાંથી 4.94 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યુ છે.
 બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદથી મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. મુક્તેશ્વર ડેમમાં 1500 ક્યુસેક પાણીની આવક થઈ છે. નવા નીર આવતા ડેમની જળસપાટીમાં 2 ફૂટનો વધારો થયો છે. ડેમમાં 7% પાણી આવતા ડેમ 60% ભરાયો છે.
  મહેસાણાના ધરોઇ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. વરસાદને પગલે 28.36 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાં પાણીની આવકને લઇ 28 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. ડેમમાં હાલ 92.80 ટકા પાણીનો જથ્થો છે.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદનું  જોર ઘટ્યું છે. હાલ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે. ઉકાઈ ડેમમાં 1.39 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાંથી 1.49 લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. ડેમના 14 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ ઉકાઈ ડેમની જળસપાટી 342 ફૂટ પર પહોંચી છે. ઉકાઈ ડેમની ભયજનક જળસપાટી 345 ફૂટ છે.
રાજ્યમાં સિઝનનો 95 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 85 ટકા મધ્ય ગુજરાત 93 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 112 ટકા અને દક્ષિણ ગુજરામાં 84 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં 138 ટકા વરસાદ નોંધાયો છે.  28 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ કરાયો છે. 111 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા જળસંગ્રહ કરાયો છે. 30 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા જળસંગ્રહ, 23 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા જળસંગ્રહ છે. તેમજ 14 જળાશયોમાં 25 ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. 90 જળાશયો હાઈ એલર્ટ પર છે

 

(7:22 pm IST)