Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

રાજ્‍ય સેવકો માટેની વહીવટી આચાર સંહિતા

પુસ્‍તક પરિચય

ગુજરાત સરકારના નાયબ સચિવ સી.પી.ઝિંઝુવાડીયાએ અનુભવો અને અભ્‍યાસના નિચોળરૂપ ખુબ મહત્‍વનું પુસ્‍તક આલેખ્‍યું છે.

પુર્વ મુખ્‍ય સચિવ વી.આર.એસ. કૌલગીએ શુભેચ્‍છા સંદેશમાં લખ્‍યું છે કે આ પુસ્‍તકમાં ગુજરાત રાજય સેવા (વર્તણૂક) નિયમો, ૧૯૭૧ની જોગવાઈઓની સરળ સમજૂતિ-નોંધ, યથાપ્રસંગ, ઉદાહરણો - સહિત આપેલી છે. તેમાં રાજય સેવકોના પક્ષે ગેર-વર્તણૂક (Mis-Conduct) કયારે ગણાય / ન ગણાય તેમજ તેમણે, કેવા - કેવા નૈતિક મૂલ્‍યો / સદગુણો કેળવવા અને જાળવવા તે બાબતોની આધારભૂત છણાવટો કરેલી છે. તેમણે, રાજય સેવકો એ કાર્યકાળમાં સફળતા પ્રાપ્ત કરવા માટેના કેટલાક હળવા-નરવા સૂચનો (Minor-Hints) રજૂ કરેલા છે.

 ૧૫૬ પાનામાં પથરાયેલા આ પુસ્‍તકમાં ખુબ અગત્‍યની વહીવટી માહિતી-નિયમોની સરળ શૈલીમાં છણાવટ આપી છે.

લેખક લખે છે કે આ પુસ્‍તકમાં,મેં ચાલીસ વર્ષની સુદીર્ધ કારર્કિદી દરમિયાન જાહેર વહીવટમાં કરેલ વિવિધ કામગીરી અંગેના રસપ્રદ અનુભવોની પ્રેરક-ગાથાઓ નો સમાવેશ કર્યો છે; જેનો એક માત્ર હેતુ, સરકારી તંત્રમાં કે અન્‍ય સંસ્‍થામાં કામ કરતા કર્મયોગીઓને, તેમના વિચાર, વાણી, વર્તન અને વ્‍યવહારો સંબંધી સ્‍પષ્ટ વહીવટી જ્ઞાન અને જીવનોપયોગી માર્ગદર્શન મળી રહે. આ પુસ્‍તકમાં, વર્તણૂક નિયમો, ૧૯૭૧ ની જોગવાઈઓ આધારિત કેટલાક ચુંટેલા અર્થઘટન સંબંધી બહુવૈકલ્‍પિક પ્રશ્‍નો (MCQs) અને તેના જવાબોની ચાવી, સંબંધિત અધિકારીઓ / કર્મચારીઓને વિશેષ જાણકારી મળી રહે અને ખાતાકીય પરીક્ષાની પૂર્વતૈયારી કરવા સારૂ આપેલા છે. આ પુસ્‍તકની શરૂઆતમાં, આપણા ગુજરાતી કવિ સ્‍વ. દલપતરામની કવિતા શબ્‍દશઃ માનવીની આચાર-સંહિતા, ઈશ્વર પ્રત્‍યેનો અહોભાવ, પ્રાર્થના સ્‍વરૂપે, વાચકોને વાંચવી ગમશે અને તે જીવનનું પ્રેરકબળ પુરૂં પાડશે.

પુસ્‍તક : રાજ્‍ય સેવકો માટેની વહીવટી આચાર સંહિતા

લેખક : સી.પી. ઝિંઝુવાડિયા (મો.૯૪૨૭૦ ૦૯૬૧૯)

કિંમત : રૂા.૪૦૦

પ્રકાશન : નવ સર્જન પબ્‍લિકેશન અમદાવાદ.

ફોન : ૦૭૯ - ૨૬૫૮૩૭૮૭

(4:21 pm IST)