Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

નરેન્‍દ્રભાઈનો આજે વાપીમાં રોડ- શોઃ સાંજે વલસાડના જૂજવામાં જાહેરસભા

સંઘપ્રદેશ દમણમાં એરપોર્ટથી ડાભેલ ચેકપોસ્‍ટ સુધી ઉમટી પડશે જંગી જનમેદનીઃ વલસાડ ખાતે કરશે રાત્રી રોકાણઃ સમગ્ર પંથક પોલીસ છાવણીમાં ફેરવાયો

(જીતેન્‍દ્ર રૂપારેલિયા), વાપીઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર પ્રચાર અર્થે આવી રહ્યા છે વાપીમાં ભવ્‍ય રોડ શો અને ત્‍યાર બાદ વલસાડ નજીકના જૂજવા ગામે જાહેરસભા સંબોધી વલસાડ રાત્રી રોકાણ કરશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્‍યારે ભાજપ પોતાનો ગાઢ સાચવવા કોઈ કચાશ રાખવા માંગતું નથી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ ફરી એકવાર વલસાડ જિલ્લામાં આજે આવી રહ્યા છે આજે સાંજે ૫:૩૦ કલાકે નરેન્‍દ્રભાઈ દિલ્‍હીથી સીધા સંઘપ્રદેશ દમણના કોસ્‍ટગાર્ડના એરપોર્ટ પર ઉતરાણ કરશે અહીં થી ડાભેલ ચેકપોસ્‍ટ સુધી વડાપ્રધાનશ્રીનો કાફલો રોડ માર્ગે જશે આ રૂટ દરમ્‍યાન નરેન્‍દ્રભાઈને આવકારવા જંગી જનમેદની આતુર બની છે.

જોકે દમણમાં યોજાનારો કાર્યક્રમ સંપૂર્ણપણે બિન-રાજકીય રહેવાનો છે. છતાં મોદીજીને આવકારવા અને એમની માત્ર એક ઝલક માણવા મોટી સંખ્‍યામાં પ્રજાજનો ઉમટી પડે એવું આયોજન હાથ ધરાયુ છે. આશરે ૬:૩૦ કલાકે વડાપ્રધાનશ્રીનો કાફલો ડાભેલ ચેકપોસ્‍ટ પર પોહોંચશે અને ડાભેલ ચેકપોસ્‍ટથી ચલા  થઇ સર્કિટ  હાઉસ સુધી વડાપ્રધાન શ્રી મોદીનો ભવ્‍ય રોડ શો યોજાશે અને એ માટે સંપૂર્ણ તૈયારીઓ થઇ ચુકી છે.

વાપી રોડ શો પૂર્ણ કર્યા બાદ નરેન્‍દ્રભાઈ હવાઈ માર્ગે વલસાડના જૂજવા ગામે જાહેર સભા સંબોધશે અહીં ૭૦ થી ૮૦ હજાર જેટલા લોકો હાજર રહેશે એમ મનાય છે મોદીજીની આ જાહેર સભામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રી અને પ્રભારી દિલીપસિંહ વાઘેલા અને બિહારના ધારાસભ્‍ય સંજીવભાઈ ચૌરસિયા સહીત અન્‍ય મહાનુભાવો હાજર રહેશે. 

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ વલસાડના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કર્યા બાદ બીજે દિવસે એટલે કે રવિવારે સવારે ડુંગરી નજીકના રોલા ગામે બનાવામાં આવેલા હેલિપેડ પરથી રવાના  થશે. નરેન્‍દ્રભાઈના આ રોડ શો અને જાહેર સભા દ્વારા વલસાડ જિલ્લાની પાંચ બેઠકો ઉપર મતદારો પર પ્રભાવ પાડવાનું આયોજન જણાય રહ્યું છે નરેન્‍દ્રભાઈને આવકારવા અને તેમની એક માત્ર ઝલક જોવા જનતા આતુર બની છે

(1:49 pm IST)