Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આમોદરા ગામના રામસિંહ સોલંકી 4 વખત ધારાસભ્‍ય બન્‍યા છતાં જીવે છે સાદગીભર્યુ જીવન

સરપંચ તરીકે રાજકીય કારર્કિદી શરૂ કરીને વિધાનસભા સુધી પહોંચ્‍યા હતા

અમદાવાદઃ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આમોદરા ગામમાં રહેતા રામસિંહ સોલંકી 4 વખત ધારાસભ્‍ય બન્‍યા છતાં હાલમાં સાદગીપૂર્ણ જીવન જીવે છે.

વિધાનસભાની ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યા પછી એ ધારાસભ્ય પ્રજાજનોની સેવા કરતા કરતા પોતે પણ વૈભવી બને છે, ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આમોદરા ગામના રહીશ કે જેઓ એક નહિ પણ ચાર-ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવા છતાં આજે પણ એકદમ સાદગીભર્યું જીવન વિતાવી રહ્યાં છે. આજે પણ એક ગામથી બીજા ગામ પગે ચાલીને લોકોના પ્રાણ પ્રશ્નો ઉકેલવા માટે તત્પર છે એવા બાયડ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રામસિંહ રૂપસિંહ સોલંકી વિશે જાણીએ. 

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આમોદરા ગામે 8 મે, 1947 ના દિવસે રામસિંહ સોલંકીનો જન્મ થયો હતો. પિતા રૂપસિંહ સોલંકી ખેતીનો વ્યવસાય કરતા હતા એટલે પિતાને ખેતીના કામમાં મદદ કરતા કરતા ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો. પછી એસએસસીની પરીક્ષા આપી, પણ ઉત્તીર્ણ થઇ શક્યા નહિ. પછી ગરીબીના કારણે વધુ અભ્યાસ કરવાનું માંડી વાળી પિતાને ખેતીમાં મદદ કરવાની સાથે સાથે સમાજ સેવા શરુ કરી. 18 મે વર્ષે મતાધિકાર પ્રાપ્ત થતાની સાથે 1965 માં માત્ર 18 વર્ષ ની ઉંમરે ગામ લોકોએ તેમની સેવાકીય પ્રવૃત્તિથી પ્રભાવિત થઇ રામસિંહભાઈને બિનહરીફ આમોદરા ગામમાં સરપંચ તરીકે ચૂંટી કાઢ્યા. પાંચ વર્ષ ગ્રામપંચાયતમાં કુશળ વહીવટને કારણે બીજી ટર્મમાં પણ ગામ લોકોએ તેઓને સરપંચ તરીકે નિયુક્ત કર્યા.

હવે એ સક્રિય રાજકારણમાં આવ્યા હતા ત્યાર પછી તાલુકાપંચાયતના સદસ્ય તરીકે પણ ચૂંટાયા. એક વખત જિલ્લા પંચાયતમાં પણ સારી એવી બહુમતીથી ચૂંટાયા. તે સમય દરમિયાન પોતાના મત વિસ્તારમાં રસ્તા પાણી વીજળીની સમસ્યાઓ વિષે સક્રિય પણે સર્વે કરી કેટલીય સમસ્યાઓનો ઉકેલ લાવ્યા. પરંતુ આટલેથી તેમને સંતોષ ના હતો. ધીરે ધીરે સમગ્ર બાયડ તાલુકામાં ખુબ જ પ્રચલિત થયા. તેમની નિસ્વાર્થ સેવાનો ભાવ જોઈ 1980 માં કૉંગ્રેસ પાર્ટીએ રામસિંહભાઈને બાયડ વિધાનસભાની ટિકિટ આપી અને જંગી બહુમતીથી વિજયી પણ થયા. ત્યારબાદ આખા મતવિસ્તારના વિકાસના કામોની વિધાનસભામાં સચોટ રીતે રજૂઆત કરી અને ગામડાઓમાં પાકા રસ્તા ખેતી માટે વીજળી પીવાના પાણીના પ્રશ્નો હલ કરતા ગયા.

વિસ્તાર ખુબ લાંબો હતો અને અનેક પ્રશ્નો હતા, એમ કરતા કરતા એક ટર્મ પુરી કરી બીજી ટર્મમાં પક્ષે તેમને ટિકિટ ના આપી તો તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે બાયડ વિધાનસભાની ચૂંટણી લડ્યા. આખા મત વિસ્તારમાં કોઈને પણ ચા પાણી કે અન્ય કોઈ વ્યવહાર કર્યા વગર મત વિસ્તારમાં પ્રચાર કાર્ય શરુ કર્યું. પગે ચાલીને પોતાનું કર્તવ્ય નિભાવતા રહ્યા અને એવા લોકોના મનમાં વાસી ગયા કે ચૂંટણીની ડિપોઝીટ પણ મતદારોએ ભરી આમ કોઈપણ જાતના ખર્ચ વગર અપક્ષ ઉમેદવાર તરીકે બીજી ટર્મમાં બાયડના ધારાસભ્ય તરીકે ચૂંટાયા.

ફરી પછી પક્ષે ટિકિટ આપી અને બીજી બે ટર્મ વિજયી બન્યા. આમ ચાર ચાર વખત રામસિંહ સોલંકી છેલ્લે 2007 માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને પ્રજાકીય લોકસેવાના કાર્યો કરી મતદારોના દિલમાં છવાઈ ગયા. તેઓ કુલ 7 વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા. તેમાં ચાર વખત વિજયી બન્યા અને ત્રણ વખત પરાજયનો સામનો કરવો પડ્યો છે. આજે રામસિંહભાઈ ધારાસભ્ય નથી તો પણ મતદારોના કામકાજ માટે તાલુકા જિલ્લા સ્તરે અને જરૂર પડે તો ગાંધીનગર સુધી એસટી બસમાં જઈ મતદારોના કામ કરે છે. 

રામસિંહભાઈને બે દીકરા અને એક દીકરી છે. બંને દીકરાઓ પણ ખેતીવાડીના વ્યવસાયમાં જોતરાયેલ છે. પોતે ગામથી બે કિલોમીટર દૂર ખેતરમાં બનાવેલ એક સામાન્ય મકાનમાં રહે છે. દરરોજ ખેતરમાં બનાવેલ મકાનથી બે કિલોમીટર દૂર બોરડી ગામે આવેલા શિવ મંદિરે પગે ચાલીને સેવા કરવા જાય છે. શિવજીને ચડાવવા માટેનું જળ પણ પોતે જ હેન્ડપંપથી ભરી લાવી ભગવાનને જળાભિષેક કરે છે અને તમામ જીવોનું કલ્યાણ થાય તે માટે પ્રાર્થના કરે છે. ત્યાર બાદ જ ઘરે આવ્યા પછી ચા-પાણી કરે છે. પોતાના વસ્ત્રો પણ જાતે જ ધુએ છે. આમ સ્વાશ્રયી જીવન જીવતા રામસિંહભાઈ પોતે પોતાના મતવિસ્તારના જ નહિ, પણ સમગ્ર ગુજરાતના વિધાનસભાના સભ્ય હોય તે રીતે કામગીરી કરી હોવાનું તેઓએ જણાવ્યું. આમ એકદમ સાદગીભર્યું જીવન જીવી સતત પ્રજાજનોની સેવા કરીને છેલ્લા શ્વાસ સુધી પણ ચાલુ રાખવાની નેમ સાથે આજે પણ સક્રિય સેવાકાર્ય બજાવી રહ્યાં છે. 

(4:34 pm IST)