Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

સુરતમાં ચાર ફાઇનાન્સર પાસેથી વ્યાજે લીધેલ પૈસાના ઉઘરાણીના ત્રાસથી કંટાળી છકડો ચાલકે આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી

સુરત: ચાર ફાઈનાન્સર પાસેથી 20% ના માસિક વ્યાજે રૂ.1.75 લાખ લેનાર બુલેટ છકડો ચાલકે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હતી. સરથાણા પોલીસે આ બનાવમાં અગાઉ બે ફાઈનાન્સરની ધરપકડ કર્યા બાદ ગતરોજ વધુ એક ફાઈનાન્સરની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના ધારીના વતની અને સુરતમાં પાસોદરા ઓમ ટાઉનશીપ વિભાગ 3 એ/05/201 માં રહેતા અને બુલેટ છકડો ચલાવતા 43 વર્ષીય હરેશગીરી લાલગીરી ગૌસ્વામીએ બે મહિના અગાઉ સરથાણા જકાતનાકા અમીરસ હોટલની સામે પુલ નીચે સેલફોસ પાઉડર પી લેતા પુત્ર હર્ષગીરીએ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં બે દિવસ બાદ તેમનું મોત નીપજ્યું હતું. હરેશગીરીએ પોતાની જ સોસાયટીમાં રહેતા ફાઈનાન્સર કાબા રબારી પાસેથી રૂ.50 હજાર 20% ના માસિક વ્યાજે લીધા હતા. ઉપરાંત, લસકાણા રામદેવપીર મંદિર પાસે રહેતા બીજા ફાઈનાન્સર કરશન ભરવાડ પાસે છકડાની આરસી બુક ગીરવે મુકી રૂ.55 હજાર 20% ના માસિક વ્યાજે સીમાડા સ્વામિનારાયણ પાર્કીંગમાં રહેતા વધુ એક ફાઈનાન્સર પપ્પુ સોની તથા તેના પાર્ટનર ભરતભાઇ પાસેથી રૂ.70 હજાર 20% ના માસિક વ્યાજે ઘર ચલાવવા માટે લીધા હતા. 

જોકે, ધંધો બરાબર ચાલતો ન હોવા છતાં હરેશગીરી રોજ જે કમાણી થતી તેમાંથી હપ્તો ભરતા હતા અને ડાયરીમાં હિસાબ પણ રાખતા હતા.દરમિયાન, પાસોદરા રોડ ઉપર કાબા રબારીએ પૈસાની ઉઘરાણી કરી ધાકધમકી આપી હતી.સાથે માર મારવાની પણ ધમકી આપી હતી. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને ધમકીથી ત્રાસીને હરેશગીરીએ આત્મહત્યા કરતા સરથાણા પોલીસે ચારેય ફાઈનાન્સર કાબા રબારી, કરશન ભરવાડ, પપ્પુ સોની અને ભરત વિરુદ્ધ અગાઉ નોંધેલી ફરિયાદમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની કલમનો ઉમેરો કરી અગાઉ કાબા રબારી અને કરશન ભરવાડની ધરપકડ કરી હતી.જયારે ગતરોજ સોનીકામ કરતા વધુ એક ફાઈનાન્સર પ્રવિણભાઇ ઉર્ફે પપ્પુભાઇ જગજીવનભાઇ સોની ( ઉ.વ.47, રહે.ઘર નં.323, સ્વામીનારાયણ નગર વિ-1, સહેલી દુકાનની ઉપર, શાકમાર્કેટ પાસે, સીમાડાગામ, સરથાણા, સુરત. મુળ રહે.દેવગાણા ગામ, તા.શિંહોર, જી.ભાવનગર ) ની ધરપકડ કરી હતી.

(6:44 pm IST)