Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

સુરત ક્રાઇમ બ્રાન્ચે બેકાર યુવાનને પિસ્તોલ સાથે ઝડપી પાડયો

સુરત, : સુરત ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીએ બે બેકાર યુવાનને પિસ્તોલ સાથે ઝડપી પાડી તેમના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે ગતરોજ નવી સિવિલ હોસ્પિટલ પાસેથી કૃણાલ રવિન્દ્રભાઈ સોનવણે ( ઉ.વ.22, રહે.રૂમ નં.3, ગોકુલનગર, અઝાદનગર, ભટાર, સુરત. મૂળ રહે.અમરાવતી, મહારાષ્ટ્ર ) ને પિસ્તોલ અને બે કારતુસ સાથે ઝડપી લીધો હતો.વતન અમરાવતીમાં મિત્ર સન્ની ધુમાલે સાથે એક ઘરમાં ચોરી કરવા ઘુસેલા કૃણાલે ત્યાં માત્ર મોબાઈલ ફોન મળતા ઘરમાં પડેલી કારની ચાવી લઈ કારની ચોરી કરી હતી.જોકે, બંને પકડાઈ ગયા હતા.ત્યાર બાદ બંને સુરત આવ્યા હતા અને કૃણાલ સ્પામાં નોકરી કરતો હતો.સન્નીએ પરત જતા પહેલા તેને પિસ્તોલ આપતા કૃણાલે પોતાની પાસે સેફટી માટે રાખી હતી.ક્રાઈમ બ્રાન્ચે સન્નીને વોન્ટેડ જાહેર કરી હાલ બેકાર કૃણાલના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એસઓજીના એએસઆઈ ઈમ્તિયાઝ ફક્રમોહમ્મદ અને હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ ભરતસિંહને મળેલી બાતમીના આધારે એસઓજીએ વેડરોડ હરિઓમ મિલની પાછળ પ્રભુનગર વિભાગ 1 પ્લોટ નં.105 ના પહેલા માળે રૂમ નં.2 માં રહેતા સાતાનપ્રતાપસિંહ ઉર્ફે સંતુ ગિરજાસિંહ રાજપૂત ( ઉ.વ.30, મૂળ રહે.કાનપુર, ઉત્તરપ્રદેશ ) ને ત્યાં રેડ કરી તેણે પલંગ પાસે ખૂણામાં સ્કૂલબેગમાં છુપાવેલી પિસ્તોલ અને એક કારતુસ કબજે કર્યા હતા.રત્નકલાકાર તરીકે અગાઉ કામ કરતા પણ હાલ બેકાર સાતાનપ્રતાપસિંહ ઉર્ફે સંતુને પિસ્તોલ ચાર વર્ષ અગાઉ સચીન ખાતે રહેતા તેના મિત્ર અખિલ પંડીતે આપી હતી.જોકે, અખિલની ત્રણ વર્ષ અગાઉ હત્યા થઈ હતી.સાતાનપ્રતાપસિંહ ઉર્ફે સંતુ પણ મારમારી, દારૂ અને જુગારના ગુનામાં ઝડપાયો છે.એસઓજીએ તેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

(6:44 pm IST)