Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

અબડાસા બેઠક પર મોટા અપસેટના એંધાણ :ભાજપનું હવે ભાજપ જ હરીફ બન્યું : આપ ને વકરો એટલો નફો

 રાજકીય સોગઠાંનું તજજ્ઞો દ્વારા આંકડાકીય માહીતી સાથે રસપ્રદ વિશ્લેષણ કઈકના ધબકાંરા વધારનારૂ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કચ્છ જિલ્લાની મહત્વપૂર્ણ બેઠક અબડાસામાં વિવિધ દાવેદારીઓ નોધાવ્યા બાદ અને ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા પહેલાના રાજકીય સોગઠાંનું તજજ્ઞો દ્વારા આંકડાકીય માહીતી સાથે થયેલ રસપ્રદ વિશ્લેષણ કઈકના ધબકાંરા વધારવા સમાન છે અબડાસામાં પ્રતિસ્પર્ધીઓના બદલે સત્તાપક્ષના જ પડકારજનક બનતા હોવાનો વર્તારો સામે આવ્યો છે,

મુસ્લીમ, અનુસુચિત જાતિ-જનજાતિ, ક્ષત્રીય, પાટીદારના મતો માત્રના આંકડાઓ પરથી ચાલતી રાજકીય ચર્ચાઓમાં કોંગ્રેસના લઘુમતી સમુદાયના ઉમેદવાર માટે લાપસીમાં લીટ્ટાના એધાણ છે, તેમજ એડવાન્ટેજ ક્ષત્રિય અપક્ષનો વર્તારો છે , આપના ઉમેદવાર માટે વકરો એટલો નફો છે જયારે  ભાજપને માટે ચોરેતફરથી ચિંતાજનક સ્થિતીનું નિર્માણ થયું છે

 ગુજરાતની નંબર ૧ વિધાનસભા અબડાસા બેઠકની રાજકીય પંડિતો દ્વારા વર્તમાન પ્રવાહ અને સંજોગોને જોતા જે ચર્ચાઓ તથા અભ્યાસુ તારણ બહાર આવવા પામી રહ્યા છે તેની વાત કરીએ તો આ બેઠક ફરીથી વધુ એક વખત અપસેટ સર્જે તો નવી નવાઈ નહી કહેવાય. આમ તો અબડાસા બેઠકનો ચૂંટણી જંગ હમેશા રસપ્રદ જ રહ્યો છે અને આ વખતે પણ અહીની ચૂંટણીનો રંગ કાંઈક અલગ જ માહોલ સર્જતો દેખાવવા પામી રહ્યો છે. પરંતુ સહજતાથી સમજી શકાય તેવી રીતે આજના દિવસે જે પણ ફોર્મની દાવેદારીઓ યથાવત જ રહેલી છે તેના ગણિતના આધારે જો વિશ્લેષણ કરવામાં આવે તો અબડાસા બેઠક પર અને જો-તોના સમીકરણો ઉભા થવા પામતા જોવાઈ રહ્યા છે.
  અબડાસા વિધાનસભા બેઠકમાં ત્રણ તાલુકાઓ સમાવિષ્ટ છે. નખત્રાણા, લખપત અને અબડાસા. આ આખાય વિધાનસભા વિસ્તારની મતદારોમાં  અહી અંદાજિત ર લાખ ૧૩ હજાર જેટલા મતો છે. જેમાં નિર્ણાયક અને સૌથી વધુ એટલે કે ૭૦ હજાર મતો મુસ્લીમ સમુદાયના છે તો તેમના પછી ર૯ હજાર જેટલા મતો અનુસુચિત જાતિ-જનજાતીના વર્ગના રહેલા છે. પાટીદારોના મતો અંદાજીત ૧પ હજાર જેટલા છે તો ક્ષત્રીયો મતો રપથી ર૬ હજાર જેટલા રહેલા છે. અન્ય સમુદાયના મતદારો પણ અહી છે પરંતુ આ ચાર જ્ઞાતિના મતદારો હાર-જીતના ઉલટભેર માટે ચાવીરૂપ પુરવાર થવા પામી શકે તેમ દેખાવવા પામી રહ્યું છે.

 હવે ઉમેદવારોને લઈને ચર્ચા કરીએ તો ભાજપ દ્વારા અહીથી પ્રદુમનસિહ જાડેજાને રીપીટ કરાયા છે જયારે કોંગ્રેસમાથી લઘુમતી કાર્ડ ખેલીને મહમદ જુંગને તક અપાઈ છે. જયારે કે, આમઆદમી પાર્ટીએ પાટીદાર વિનોદભાઈ ખેતાણીને મેદાનમાં ઉતાર્યા છે. મુખ્ય પક્ષોના ઉમેદવારો તેમજ અપક્ષો પણ મેદાનમાં ઉતર્યા છે અને તેમાંથી અમુક અપક્ષ અને તેમના ટેકેદારોના જે સમીકરણો ચર્ચાય છે તેઓ હારજીતને લઈને ખુબજ મોટો ભાગ ભજવી જાય તેમ દેખાય છે.રાજકીય તજજ્ઞો અને નિષ્ણાંતોના અભ્યાસની મજાની વાત એ છે કે, ગત વખતે કોગ્રેસ છોડી ભાજપમાં આવીને ચૂંટણી લડેલા પ્રદુમનસિહ તગડી અને જંગી લીડથી અબડાસામાં જીત્યા હતા અને નો રીપીટનું મેણું પણ તેઓએ ભાંગી નાખ્યુ હતુ, પરંતુ આ વખતે ભાજપ હાલના સમયે જાતિગત સમીકરણો, પ્રવર્તમાન પ્રવાહ, સ્થીતી-સંજોગોને જોતા પરીણામોના લીસ્ટમાં છેલ્લેથી પ્રથમ નંબરે દેખાવવા પામી રહ્યુ છે. એટલે કે હારના ક્રમમાં ઉભું હોય તેમ દેખાય છે.

  આ સમગ્ર બાબતે અપક્ષના સમીકરણોને અંતમાં સમજીએ પરંતુ મતોની આંકડાકીય માહીતીને લઈને પણ જો હાલમાં પ્રાથમિક તબક્કે કયા મતો કઈ તરફ ઢળી જાય તેની સંભાવનાઓ રાજકીય તજજ્ઞો જોઈ રહ્યા છે તે એમ છે કે, ૭૦ હજાર મુસ્લીમ મતદારોમાંથી કોગ્રેસના ઉમેદવાર તે જ સમુદાયના હેાવાથી ૪૦ હજાર મતો એકતરફી પડે તેમ દેખાય છે, તે બાદ અનુસુચિત જાતિ-જનજાતિ સમુદાયના મતો ર૯ હજાર છે તેમાંથી ર૦ હજાર મતો કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં જાય તો ૭૦માથી ૬૦ હજાર મતોની બહુમતી તો આ જ સમુદાયમાંથી કોંગ્રેસને સીધી જ મળતી હોય તેમ દેખાય છે. અને કોંગ્રેસને માટે તો અહી લાપસીમાં લીટ્ટા કરવા સમાન જ ચિત્ર બની જાય તેમ છે. આવામાં ભાજપ તો અહી દુર દુર સુધી દેખાતુ જ નથી.
વધુમાં ભાજપને માટે માઠ્ઠાખબર રૂપ વાત કરીએ આ વખતના આમઆદમી ફેકટરની તો આ ફેટકર જીતમાં કદાચ ન આવી શકે પરંતુ પાટીદાર કાર્ડ અહી ખેલાયું હોવાથી પાટીદારના જે ૧પ હજાર મતો છે તેમાંથી પ૦ ટકા મતો પણ પોતા તરફ ડાયવર્ટ કરી જાય તો એ નુકસાન ભાજપને જ કરવાનુ છે તેમ માનવું અસ્થાને નહી ગણાય. હવે વાત કરીએ ભાજપે જે સમુદાયમાથી ઉમેદવારને તક આપી છે તે ક્ષત્રીય મતોની. અબડાસામાં કહેવાય છે કે, ક્ષત્રિય મતો ચાર ભાગમાં હાલના સમયે વિભાજીત થવા પામી ગયા છે. ક્ષત્રીયનુ કુલ અંદાજીત વોટીંગ ર૬ હજાર જેટલુ છે. પ્રદુમનસિહ ભાજપમાંથી મેદાનમાં છે, તેઓને ચોકકસથી ક્ષત્રીય સમુદાયના મતો મળશે

બીજીતરફ અપક્ષ તરીકે નલીયા જ નહી અબડાસા વિસ્તારમાં જેઓનું પ્રતિષ્ઠીત નામ છે તેવુ જુવાનસિંહભાઈ જાડેજાના પુત્ર હકુમતસિંહ જાડેજા મેદાનમાં આવ્યા છે.હકુમતસિંહના પિતા જુવાનસિંહની ખુદની પ્રતિષ્ઠા અને કર્મભાવના અબડાસાામા ભારે લોકપ્રીય રહી છે. અને તેમાંય વાંકુ, નલીયા, જખૌ, પરજાઉ સહિતના આસપાસના ગામોમાં તો તેમની ભારોભાર લોકચાહના રહી છે. અહી અંદાજીત છથી સાત હજારનું ક્ષત્રીયોનુ વોટીંગ છે. જેનો સીધો લાભ હકુમતસિહને મતદાનમાં મળતો જોવાઈ શકે તેમ છે. આ ઉપરાંત હકુમતસિંહની સાથે જ મહેશોજી સોઢા રહેલા છે તો તેઓની પણ મોથાળા સહિતના ગામડાઓમાં ભારે પકકડ છે અને તે મતો હકુમતસિહ તરફ ઢળશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. બાકી રહેતુ હતુ લખપત તો અહી પણ ચમનસિંહ બાજી મારી શકે તેમ છે. હવે આમ સામુહીક રીતે વર્તમાન સંજોગોને જોઈએ તો અબડાસામાં ભાજપના ક્ષત્રિય મતો ચાર ભાગોમાં વહેંચાયેલા જોવાઈ જ શકે છે.   

 વધુમાં એક ચર્ચા રાજકીય રીતે એવી પણ સામે આવી છે કે, હકુમતસિહ, મહેશોજી, ચમનસિંહની સાથે આ જ વીસ્તારમાં ગૌસેવા માટે પ્રખ્યાત કોંગી આગેવાનને જોડવાની જહેદોજહેમત ચાલી રહી છે અને જો ગૌસેવાને નખશીખ વરેલા આ અગ્રણી તેમની સાથે આવી જાય તો અપક્ષ અહી હાર-જીત માટે નિર્ણાયક ભૂમિકામાં જ નહી રહે બલ્કે જીતની હરોળમાં પણ હકુમતસિંહ પ્રથમ ક્રમે આવી જાય તો નવી નવાઈ નહી કહેવાય. આ બધાય મતોમાંથી ભાજપ કેટલા ભાગ પડાવી જાય છે તે ભાજપના મતો બની શકે તેમ હાલ તુરંત ચિત્ર દેખાવવા પામી રહ્યુ છે. અહી એ પણ યાદ અપાવાવની જરૂરીયાત છે કે, વિધાનસભાનું વોટીંગ સરેરાશ ૬પ ટકા આસપાસ જ થતુ હોય છે. કુલ્લ મતદારોના ૬પ ટકા મતદાન જ થશે તો ઉપરોકત મત શેરની ટકાવારીઓ પણ તે અનુસાર જ વિભાજીત થઈ શકે તેમ છે જે પણ ભાજપને માટે તો મુશ્કેલીરૂપ જ બની રહેશે તેમ રાજકીય વિશેષજ્ઞો માની રહયા છે. હાલના સમય-સંજોગનુ ચિત્ર તો અબડાસા ફરી મોટા અપસેટ ભણી જતી હોય તેમ આગોતરો વર્તારો રાજકીય તજજ્ઞોને દેખાવવા પામી રહ્યો હોવાનુ ચિત્ર જોવાઈ રહ્યું છે.

(10:47 pm IST)