Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

સુરતની ફેકટરીમાં આગમાં ૩ કામદારો ભડથુ ?

સોમીયા પ્રોસેસિંગ પ્રા.લી.માં આગને કાબુમાં લેવા ૫ કલાક પાણીનો મારો ચલાવવો પડયો

રાજકોટ તા. ૨૦ : સુરતના પલસાણામાં આવેલી મિલમાં રાત્રિના સમયે ભીષણ આગ લાગી હતી. જેમાં ૩ કામદારો ભડથુ થયાની શકયતા છે. સોમીયા પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. અંદાજે સવારે ૩ વાગ્યાની આસપાસ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે લાગેલી આગને કારણે ફાયર વિભાગ દોડતું થયું હતું.

આગ એટલી ભીષણ હતી કે, મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો હતો. આગ ભીષણ હોવાને કારણે પલસાણા તાલુકા બારડોલી,સચિન,સુરત,બારડોલી, વ્યારા સહિતની ફાયર સ્ટેશનની ગાડીઓ આગ ઉપર કાબૂ મેળવવા પહોંચી હતી. સાથે ખાનગી મોટી કંપનીઓની ઘટનાસ્થળ પર પહોંચી હતી.હાલ આગ પર કાબૂ મેળવી લઈને કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે સુરત,તાપી સહિતના ફાયરબ્રિગેડની મદદથી આગ કાબૂમાં આવી હતીકાપડ પ્રોસેસિંગની મિલમાં આગ લાગતાની સાથે જ આખે આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે, આસપાસની મિલો પણ બંધ કરી દેવામાં આવી હતી.

આગની જવાળાઓના કારણે આસપાસના યુનિટોને પણ નુકસાન થાય તેવી ભીતિ સેવાઇ રહી હતી. તમામ ફાયર વિભાગની ગાડીઓ ત્યાં પહોંચી ગયા બાદ અંદાજે ચારથી પાંચ કલાકના સમય સુધી સતત આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.પરંતુ આગ એટલી ભીષણ હતી કે, હજી પણ કુલિંગની કામગીરી ચાલુ છે. વહેલી સવારે લાગેલી આગમાં સદનસીબે અત્યાર સુધી કોઇપણ જાનહાનિ થયા હોવાના સમાચાર મળી રહ્યા નથી છેલ્લા અહેવાલ પ્રમાણે આગની ઘટનામાં રાજસ્થાનના ૩ કામદારો લાપતા થતા ૩ કામદારો બળીને ભડથું થયાની આશંકા સાથે પરિવારજનોએ મિલ સંચાલક પર આક્ષેપ કર્યો છે.

(3:26 pm IST)