Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

અમદાવાદમાં ચિરાગ મિત્ર મંડળ નામની સ્‍કીમમાં ગરીબ-મધ્‍યમ વર્ગના પરિવારોના કરોડો રૂપિયાનું રોકાણ કરાવીને છેતરપીંડી કરનાર ભાઇ-બહેનની ધરપકડ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચે ચિરાગ મહેશભાઇ ભદ્રા અને મમતા મહેશભાઇ ભદ્રા સામે કાર્યવાહી કરી

અમદાવાદઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક કા ડબલ અને સારું વળતર આપવાની લાલચ આપનાર ભાઈ-બહેનની ધરપકડ કરી છે.  આ આરોપીઓએ અત્યાર સુધીમાં 3 કરોડ રૂપિયાનો ચુનો શહેરીજનોને લગાવ્યો છે. ભાઈ-બહેનની ટોળકીમાં આરોપીઓ ચિરાગ મિત્ર મંડળ નામની પોન્જી સ્કીમ ઉભી કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. દર મહિને લકી ડ્રોમાં જે રોકાનકારનું નામ આવે તેને 1.50 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ રોકાણ કર્યા બાદ આરોપીઓએ આવા કોઈ ડ્રો કર્યા નહોતા. જેને કારણે રોકાણકારોના નાણાં ડૂબી ગયા હતા.

રોકાણકારોએ કરી ફરિયાદ

બાદમાં રોકાણકારોએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી. જેને આધારે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે આરોપી ભાઈ-બહેનની ધરપકડ કરી છે. આરોપી ચિરાગ મહેશભાઈ ભદ્રા તેમજ મમતા મહેશભાઈ ભદ્રાના પિતાએ આ પોન્જી સ્કીમ શરૂ કરી હતી. જેમાં રોકાણકારોને મોટું રોકાણ કરાવ્યું હતું. આ સાથે જ રોકાણકારો જો અન્ય રોકાણકારોને રોકાણ કરાવે તો તેમને કમિશન પણ આપવામાં આવતું હતું. આરોપીઓએ આવા એજન્ટોને 10.59 લાખની ચુકવણી કરી હતી જેને કારણે આ સ્કીમમાં અમદાવાદ પૂર્વના 60થી વધુ રોકાણકારોએ તેમની મહામહેનતે કમાવેલ મૂડીનું રોકાણ કર્યું હતું.

જો કે ઘણો સમય પસાર થયા પછી પણ રોકાણકારોને તેમના નાણાં પરત ન મળતા આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. દર મહિને ડ્રોમાં જે રોકાણકારોનું નામ ન નીકળે તેમને 100-100 ગ્રામના ચાંદીના સિક્કા આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. તેમજ જો કોઈ રોકાણકારનું નામ ડ્રોમાં છેલ્લે સુધી ન નીકળે તો તેને 6 હજાર રૂપિયા વધારાના ચુકવવાની પણ જાહેરાત કરાઈ હતી.જેને કારણે અનેક રોકાણકારો આ લોભામણી સ્કીમમાં જોડાયા હતા. પરંતુ આખરે આરોપીઓએ તમામ રોકાણકારોનું ફૂલેકુ ફેરવી દીધું હતું. હાલતો આ પોન્જી સ્કીમનો મુખ્ય સૂત્રધાર મહેશ ભદ્રા ફરાર છે. જેને શોધવા અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે તજવીજ હાથ ધરી છે.

(5:06 pm IST)