Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

છોટા ઉદેપુર જીલ્લાના પાવી તેજપુરના આંબાખૂટ ગામના યુવક ઉપર રીંછે હૂમલો કરતા તબીબોએ ઓપરેશન કરીને યુવકને નવો ચહેરો આપ્‍યો

4 કલાક સુધી 8 તબીબોની ટીમોએ ઓપરેશન કર્યુઃ 300 ટાંકા લીધા

વડોદરાઃ વડોદરાની સયાજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં સારવાર માટે આવેલા યુવાનને નવો ચહેરો આપવામાં તબીબી ટીમને સફળતા મળી છે. રીંછના હુમલામાં ઇજાગ્રસ્ત યુવાન 15 દિવસ સુધી સારવાર બાદ સાજો થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

છોટાઉદેપુર જિલ્લાના પાવીતેજપુરના આંબાખૂટ ગામમાં યુવાનનું રીંછે મોં ફાડી નાખતા પરિવારજનો લોહીલુહાણ હાલતમાં યુવાનને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. પ્લાસ્ટિક સર્જરી વિભાગના તબીબે જ્યારે યુવાનને જોયો ત્યારે સારવાર ક્યાંથી શરૂ કરવી તે મૂંઝવણ હતી. તેમ છતાં નિષ્ણાંત તબીબોની ટીમે સારવાર શરૂ કરી હતી. જેમાં 4 કલાક સુધી 8 તબીબોની ટીમે યુવાનની સર્જરી કરી હતી. સર્જરી દરમિયાન 300થી વધુ ટાંકા લેવામાં આવ્યાં હતા. પ્લાસ્ટિક વિભાગના સર્જન ડો. શૈલેશ સોનીએ જણાવ્યું કે સામાન્યતઃ આટલી ઇન્જરી હોય ત્યારે સર્જન માટે પણ પડકારરૂપ હોય છે. સવારે 9 વાગ્યાથી એક વાગ્યા સુધી આ સર્જરી ચાલી હતી. ખાનગી હોસ્પિટલમાં આવી સર્જરીનો ખર્ચ રૂ.4 લાખની આસપાસ આવી શકે છે.

યુવાનને સર્જરી પહેલા - ધનુર અને હડકવા બંનેના અને સાથે એન્ટીબાયોટિક ઇન્જેક્શન આપવામાં આવ્યા. તેને બેભાન કરવો હતો પણ નાક ન હતું. તેથી તાબડતોબ એનેસ્થેટિસ્ટ વિભાગના તબીબોને બોલાવીને સાવચેતીપૂર્વક એનેસ્થેસિયા અપાયો અને બેશુદ્ધ કરવામાં આવ્યો. સર્જરીના પહેલા કલાક દરમિયાન દર્દીનો ચહેરો વિશેષ સોલ્યૂશન અને પાણીનો ઉપયોગ કરાયો હતો. દર્દીના ઘામાં ઘાસના તણખા, પાંદડા અને માટી પણ જમા હતી, જેને સાફ કરવી જરૂરી હતા. નષ્ટપ્રાય થયેલા હાડકા કાઢયા. સર્જરીના બીજા કલાકમાં નાક અને ગાલના ભાગોને આકાર આપવા 5 ટાઇટેનિયમ પ્લેટ્સ નાંખવામાં આવી. આંખની નીચેના પોપચા ખવાઇ ગયા હતા. તેથી આંખોને પણ સપોર્ટ આપવામાં આવ્યો. આ દરમિયાન તમામ ટીમ તેની સ્થિતિ પર નજર રાખી રહી હતી.

સર્જરીના બાકીના બે કલાકમાં એકવાર હાડકાઓ, ત્વચા અને ટાઇટેનિયમ પ્લેટ્સ ગોઠવાઇ ગયા બાદ તેના ચહેરાની ત્વચાને ગોઠવીને ટાંકા લેવાના શરૂ કરવામાં આવ્યાં. 300 કરતા વધુ ટાંકા લેવાયા. ત્યારબાદ તેના ચહેરાને બેન્ડેડથી ઢાંકી દેવાયો. સર્જરી બાદ યુવાન આંખોનું હલન ચલન કરવું, ખાવું પીવું, સરળતાથી શ્વાસ લેવા જેવી મૂવમેન્ટ કરી શકે છે. યુવાનને હવે લોહીની પૂર્તિ માટે અને શક્તિ માટે મલ્ટી વિટામિનની દવાઓ હાલમાં આપવામાં આવી છે. યુવાન સાજો થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પરિવારે તબીબોનો આભાર વ્યક્ત કર્યો, સાથે જ તબીબોએ પણ સર્જરીને ચેલેંજીંગ ગણાવી હતી.

(5:07 pm IST)