Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

કોરોનાની ત્રીજી લહેરમાં મંડપ, ડેકોરેશન અને કેટરીંગના વ્યવસાયની હાલત વધુ કફોડી બની

લગ્ન અને મેળાવડા જેવા કાર્યક્રમોના આયોજન પાછળ બેન્ડ, ઘોડા, શણગાર, ડ્રેસિંગ, કેટરીંગ, લાઇટ અને ફુલ ડેકોરેશન સહિતના અનેક ધંધાર્થીઓ છેલ્લા બે વર્ષથી મંદીની ગર્તામાં

અમદાવાદ : કોરોનાની ત્રીજી લહેરમાં ભલે કોરાના ગાઇડલાઇન આકરી ના બની હોય પરંતુ કોરોનાએ અનેક વ્યવસાયકારોની મુશ્કેલીઓ વધારી દીધી છે. માંડ માંડ બે વર્ષ બાદ હવે ઉભા થઇ રહેલા અનેક વ્યવસાયકારોની સ્થિતી સુધરતી જણાતી હતી ત્યાં હવે નવી લહેરની થપાટે આશાઓ તોડી નાંખી છે. ખાસ કરીને મંડપ અને ડેકોરેશનનના વ્યવસાયને મોટો ફટકો વર્તમાન સમયમાં પડી રહ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં અનેક લગ્ન અને મેળવડાઓના આયોજન રદ થઇ રહ્યા છે.

ખાસ કરીને લગ્નસરાની સિઝન ઉતરાયણ બાદ કમૂરતાં ઉતરતા જ જામે તેવી આશા બંધાયેલી હતી પરંતુ એ પણ હવે પુરુ થઇ ચુક્યુ છે. કારણ કે કોરોનાની ત્રીજી લહેરની શરુઆતમાં અનેક પરિવારનો પોતાના શુભ પ્રસંગોને રંગે ચંગે યોજવાના અભરખાં પર પાણી ફરી ગયુ છે. તો બીજી તરફ તે આયોજન બંધ થવાને લઇને તેની પર નભનાર મંડપ અને ડેકોરેશન તેમજ ફુલોના શણગાર સહિતના અનેક પરિવારો પર મુશ્કેલીની આફત ઉતરી આવી છે.

મંડપ અને ડેકોરેશનના ધંધાર્થીઓ છેલ્લા બે વર્ષથી પરેશાન છે. ધંધો કોરોના પ્રોટોકોલને લઇને સાવ ખતમ થઇ જવા જેવી હાલતમાં હતો. ગત ડિસેમ્બર માસમાં હળવાશ રહેતા લગ્નસરા જામે એવો માહોલ ઉભો થયો હતો. ત્યાં જ હવે કમૂરતા ઉતરતા વેંત જ કોરોનાએ અનેક પરિવારો પર આફત ઉતરાવી છે.

(8:27 pm IST)