Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

વાપી :જાણીતી કંપનીઓના ડુપ્લીકેટ લોગો અને નકલી બેચ નંબર-બારકોડ લગાવી નકલી દવાઓનું વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું

પોલીસે વોચ ગોઠવી કારમાં મોટા જથ્થામાં કંપનીના ડુપ્લીકેટ લોગો અને બારકોડ અને ખોટા બેચ નંબરના આધારે કંપનીના નામે ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ સાથે આવેલા શખ્સને ઝડપી લીધો

વાપીમાં જંતુનાશક દવાઓ બનાવતી કેટલીક જાણીતી કંપનીઓના ડુપ્લીકેટ લોગો અને નકલી બેચ નંબર અને બારકોડ લગાવી નકલી દવાઓનું વેચાણ કરવાનું એક કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. આ સાથે ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ વેચતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાપી જીઆઇડીસી આવેલી અને જંતુનાશક દવાઓ બનાવતી યુપીએલ કંપની, એફએમસી, સિજન્ટા અને બાયર નામની કંપનીઓના ડુબલીકેટ લોગો અને બારકોડ સાથે કોઈ અજાણ્યા વ્યક્તિઓ નકલી દવાઓનું વેચાણ કરી રહ્યા હોવાની પોલીસને જાણ થઈ હતી.

યુપીએલ કંપનીના જનરલ મેનેજરે આ બાબતે વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી અને કંપનીને મળેલી માહિતી મુજબ વાપીના ગોવિંદા કોમ્પ્લેક્સમાં ઓફિસ નંબર ૨૨૩માં નવજોત એગ્રો કેમિકલ્સ એન્ડ ટ્રેડર્સ નામની ઓફિસમાં જંતુનાશક દવાઓનો ધંધો કરતા નવલકિશોર સંપતરાવ દુબે નામનો વ્યક્તિ યુ.પી. એલ કંપનીના ડુપ્લીકેટ લોગો અને બારકોડ અને ખોટા બેચ નંબરના આધારે કંપનીના નામે ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનું વેચાણ કરી રહ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું.

આથી પોલીસ અને યુ.પી.એલ કંપનીની ટીમને મળેલી બાતમીને આધારે કંપનીની ટીમે વાપીની ગોવિંદા કોમ્પલેક્ષ બહાર વોચ ગોઠવી હતી. એ દરમિયાન નવલકિશોર દુબે નામનો વ્યક્તિ એક કારમાં કોથળામાં કેટલોક સામાન લઈને આવ્યો હતો. આથી કારની અંદર તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં જાણીતી કંપનીઓના લોગો સાથેનો જંતુનાશક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો.

જંતુનાશક દવાઓ ઉપરના બારકોડ સ્કેન કરતા સ્કેન થતો ન હતો અને દવા ઉપર લગાવેલા બેચ નંબર પણ ખોટો હતો. આથી આ દવાઓનો જથ્થો નકલી હોવાનું બહાર આવતા પોલીસે કારમાંથી અંદાજે ૯૩ હજારથી વધુની કિંમતના નકલી જંતુનાશક દવાઓનો જથ્થો કબજે કર્યો હતો.

વાપી પોલીસે આરોપી નવલકિશોર દુબે ધરપકડ કરી તેની આગવી ઢબે પુછપરછ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં નવલકિશોર દુબે જણાવ્યું હતું કે યુપીના લખનઉ નો રહેવાસી આર્યન ઉર્ફે અમિતકુમાર નામનો વ્યક્તિ તેને આ દવાઓનો જથ્થો મોકલતો હતો.

(8:31 pm IST)