Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

અસિત વોરાની હકાલપટ્ટી માટે યુવાનો મક્કમ : પીએમને પોસ્ટકાર્ડ લખવા અભિયાન : રસ્તા પર આંદોલનનું એલાન

અસિત વોરા યથાવત રહેતા સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા લાખો બેરોજગાર યુવાનો વિર્ફ્યા

અમદાવાદ :સરકારના તમામ બોર્ડ, નિગમ, આયોગમાંથી રાજકીય નિમણૂક પામેલા એક એક નેતાને રાજીનામુ આપવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે આદેશ કર્યો પરંતુ, સૌથી વિવાદાસ્પદ ગુજરાત સેવા પસંદગી મંડળ- GSSBના ચેરમેનપદે અસિત વોરા યથાવત રહેતા સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા લાખો બેરોજગાર યુવાનો વિર્ફ્યા છે.

  પેપર લીક થયાના સવા મહિનાથી વધુ સમય વિત્યા છે. આ કૌભાંડમા પણ સવા બે વર્ષ અગાઉના બિન સચિવાલય ક્લાર્કના ભરતી કાંડની જેમ અસિત વોરા સામે કોઇ જ કાર્યવાહી થઈ નથી. તેવામાં ગુરૂવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે સરકારી બોર્ડ- નિગમોના ચેરમેન, વાઇસ ચેરમેન અને ડિરેક્ટરોને રાજીનામા આપવા કરેલા આદેશનમા ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના નામનો સમાવેશ ન થયો હોવાની માહિતી બહાર ન આવતા યુવાનોએ સોશિયલ મીડિયામાં ભાજપના આ પ્રકારના બેવડા ધોરણો સામે પસ્તાળ પાડી હતી.

અસિત વોરાના રાજીનામા મુદ્દે પહેલાથી જ રાજ્યભરમા આંદોલન ચાલી રહ્યુ છે, પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીના ચૂંટાયેલા જનપ્રતિધિઓ, સામાજિક- ધાર્મિક સંસ્થાઓના આગેવાનોના સમર્થન પત્રો લેવાઇ રહ્યા છે તેવામાં આગામી સપ્તાહથી રસ્તા ઉપર આંદોલન કરવાની ચિમકી યુવાનોએ ઉચ્ચારી છે.

હેડ ક્લાર્કની ભરતીમા થયેલા પેપર લીકકાંડમા પ્રિન્ટીંગ પ્રેસના માલિક મુદ્રેશ પુરોહીત સાથે અસિત વોરાના ઘનિષ્ઠ સંબંધો અને તે સંબંધોના કારણે જ ગૌણ સેવા પસંદગી મંડળે ટેન્ડર આપ્યાનુ જગજાહેર હોવા છતાંય ભાજપ- RSS આશ્રિતને બચાવવામાં આવી રહ્યા છે. આ મુદ્દે ન્યાયની માગણી સાથે ચેરમેનપદેથી વોરાની હકાલપટ્ટી કરવા ગુજરાતભરમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા ઉમેદવારો અને તેમના પરિવારોએ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખવાનુ અભિયાન શરૂ કર્યુ છે.

જો સરકાર અસિત વોરાને ચેરમેનપદે યથાવત રાખશે તો આગામી વિધાનસભા ચૂંટણીમા ભાજપ વિરોધી મતદાન કરવાનું પણ એલાન થશે. એમ આંદોલનકારીઓ જાહેર કર્યુ છે.

(11:42 pm IST)