Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

કોટનના ભાવમાં આગઝરતી તેજી:સટ્ટોડિયાના ખેલથી ભાવમાં તોતિંગ ઉછાળો થયાનો આરોપ: લગામ જરૂરી

કપાસની ગાંસડીનો સરેરાશ ભાવ 40 થી 45 હજાર પરથી જબરદસ્ત ઉછાળો આવતા એક ગાંસડીનો ભાવ 75 હજાર સુધી પહોંચ્યો: જીએસટી વગર પણ કપડા મોંઘા પડવાની ભીતિ

અમદાવાદ :કેન્દ્ર સરકારે કપડા પર તો 5 ટકા જીએસટી ન વધારી મોંઘવારીમાં રાહત આપી. પરંતુ હવે જીએસટી વગર પણ કપડા મોંઘા પડવાના છે. કારણ કે, કાપડ ઉદ્યોગમાં વપરાતું રો-મટિરિયલ એટલે કે, કોટનના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે.જેની અસર ટેક્સટાઈલ ઉદ્યોગો પર પડી રહી છે. 

કાપડ બનાવવાનું રો-મટેરિયલ એટલે કે, કપાસની ગાંસડીનો સરેરાશ ભાવ 40 થી 45 હજાર રહેતો હોય છે. જેમાં છેલ્લા કેટલાક સમયમાં જ જબરદસ્ત ઉછાળો આવતા એક ગાંસડીનો ભાવ 75 હજાર સુધી પહોંચ્યો છે. આ મોટા ભાવ વધારાની અસર હવે ટેક્સટાઇલ ઉદ્યોગમાં જોવા મળી છે. જોકે અચાનક જ આ રીતે ભાવ વધારો થવો તે કોઈ કોટનના ઓછા ઉત્પાદનને લઈને નહીં પરંતુ વચેટિયાઓ અને સટ્ટોડિયાઓ દ્વારા કોટનના કરવામાં આવેલા સ્ટોકને કારણે હોવાનું વેપારીઓ માની રહ્યા છે. તેવામાં ખેડૂતોને તો ભાવ વધારાનો લાભ નથી જ મળતો. પરંતુ ખેડૂતોના નામે વચેટીયાઓ લાભ ઉઠાવે છે. ત્યારે ઉત્પાદનમાં કાપડના ઉત્પાદનમાં ઘટાડો કરવા મજબૂર બનેલા વેપારીઓ હવે કોટનના રો-મિટિરિયલના સ્કોક પર લિમિટ માટે સરકાર પાસે માગ કરી રહ્યા છે. 
રો-મટિરિયલમાં આવેલ ઊંચા ભાવ વધારાની અસર ટેક્સટાઇલ ઉત્પાદન પર પણ જોવા મળી રહી છે. નવો કાચો માલ નવા ઊંચા ભાવ સાથે ખરીદવો કે કેમ તેની ચિંતા લોકોને થઈ રહી છે. રો-મટિરિયલ ઊંચા ભાવે ખરીદવામાં આવે તો પ્રોડક્શન કોસ્ટ ઊંચી જવાનો ભય છે. તેવામાં હાલ ઉદ્યોગકારો દ્વારા પણ પૂરતા પ્રોડક્શન પર કાપ મુકવામાં આવ્યો છે. જે 20 થી 30 ટકા જેટલો છે. આ સિવાય જીપીસીબી દ્વારા 750 જેટલા કારખાના બંધ કરાવવામાં આવ્યા હોવાથી પણ પ્રોડક્શન ઓછું થયું છે.

 કોટનના ભાવમાં વધારો થવો તે સારી બાબત છે. પરંતુ તેનો લાભ ખેડૂતોને મળવો જોઈએ. નહીં કે, સટ્ટોડિયા અને વચેટીયાઓને. તેવામાં હાલ તો કાપડ વેપારીઓની માગ છે કે, સરકાર સ્ટોકની મર્યાદાઓ નક્કી કરે. અને વચેટિયાઓ પર લગામ કશે.

 

(12:16 am IST)