Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

નર્મદા જિલ્લા વહિવટીતંત્રના અધિકરીઓ અને પિરામલ ફાઉન્ડેશનના સિનીયર્સ સાથે એકતાનગર ખાતે યોજાયેલો સંવાદ

નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધીએ દેશના વિવિધ રાજ્યોમાંથી નર્મદા જિલ્લામાં આવેલ પિરામલ ફાઉન્ડેશનના સિનીયર્સે જિલ્લાના વિકાસ માટે રજૂ કરેલા મંતવ્યોને બિરદાવ્યા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નિતી આયોગ દ્વારા જાહેર કરાયેલા એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટમાં  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાજ્યો સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ એસ્પિરેશન ડિસ્ટ્રીક્ટ નર્મદા જિલ્લામાં વહિવટીતંત્રની સક્રિય અને સતત કામગીરીથી જિલ્લાના વિકાસને ઝડપી વેગ મળી રહ્યો છે. જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાનાં નેતૃત્વ હેઠળ નર્મદા જિલ્લો એસ્પિરેશનલથી ઇન્સ્પીરેશનલ બની રહ્યો છે. આ વિકાસધારામાં નીતિ આયોગના માર્ગદર્શન હેઠળ પિરામલ ફાઉન્ડેશન જિલ્લા વહિવટીતંત્રની રાહબરી હેઠળ શિક્ષણ, આરોગ્ય અને સસ્ટેનીબિલીટી ક્ષેત્રે સહાયરૂપ કામગીરી કરી રહ્યું છે. જે અંતર્ગત ગત રોજ એકતાનગર ખાતે પિરામલ ફાઉન્ડેશનના વિવિધ રાજ્યોમાં કાર્યરત પ્રતિનિધિઓ અને નર્મદા જિલ્લા વહિવટીતંત્રના  અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજાઇ હતી.

 નર્મદા જિલ્લામાં એક તરફ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સરાહનીય કામગીરી થઈ રહી છે તો બીજી તરફ વહીવટીતંત્રનાં સાર્થક પ્રયાસોથી જિલ્લાના વિકાસમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ઉત્સાહભેર સહભાગી બની રહી છે. પિરામલ ફાઉન્ડેશન દ્વારા જિલ્લાના વિકાસમાં સહભાગી થવાના ઉમદા આશય સાથે નિવાસી અધિક કલેકટર સી.એ ગાંધીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્રનાં અમલીકરણ અધિકારીઓ અને ફાઉન્ડેશનનાં સિનીયર ટીમના સભ્યો સાથે એકતાનગર ખાતે યોજેલી બેઠકમાં વહિવટીતંત્ર અને ફાઉન્ડેશન એક મંચ પર ભેગા થઈને નર્મદા જિલ્લાનાં વિકાસને વધુ વેગવાન બનાવવા વિવિધ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરી જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ અને સસ્ટેનીબિલીટી ક્ષેત્રે કાર્ય કરવા માટે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.

  પિરામલ ફાઉન્ડેશનના નર્મદા જિલ્લા અગ્રણી નજમાબેન કેશવાણીએ નર્મદા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને આવકારી તેમના તરફથી મળતા માર્ગદર્શન અને સાથ સહકાર અંતર્ગત પિરામલ ફાઉન્ડેશન નર્મદા જીલ્લાની ટીમ કઈ રીતે કામ કરી રહી છે તેના ઉપર પ્રકાશ પડયો હતો. તેમજ પિરામલ ફાઉન્ડેશનના સિનિયર ટીમ દ્વારા પરિચય આપી તેઓ જુદા-જુદા રાજ્યોમાં કયા ક્ષત્રોમાં કાર્ય કરી રહ્યા છે તે અંગે ચર્ચા કરી હતી.
  આ બેઠકમાં પિરામલ ફાઉન્ડેશનના સિનીયર કોર ટીમના સભ્ય મનમોહન સિંહ, વિવિધ રાજ્યોના પ્રોજેક્ટ ડાયરેક્ટરઓ, સિનીયર્સ, નર્મદા જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જનકકુમાર માઢક, આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભૂસારા, જિલ્લા ટી.બી.ઓફિસર ડૉ. ઝંખનાબેન વસાવા, ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. વર્ષાબેન વસાવા, જિલ્લા આયોજન કચેરીના સંશોધન અધિકારીઓ અને અન્ય વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(10:24 pm IST)