Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

હર્ષ સંઘવી એક્શન મોડમાં : એક જ દિવસમાં ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ચકચાર

ગૃહરાજ્યમંત્રી દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ પર નજર: IPSથી લઇને પોલીસ કોન્સ્ટેબલ સુધીના 10થી 12 અધિકારીઓ ગૃહ રાજ્યમંત્રીની રડાર પર: ભરૂચના બે પોલીસ કર્મચારીઓ અને પીઆઇ જી.એચ.દહિયાને પણ સસ્પેન્ડ કરાયા

અમદાવાદ : ગુજરાતમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. હર્ષ સંઘવીએ એક જ દિવસમાં ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. ગૃહરાજ્યમંત્રી ભ્રષ્ટ અધિકારીઓ પર નજર રાખી રહ્યા છે. IPSથી લઇને પોલીસ કોન્સ્ટેબલ સુધીના 10થી 12 અધિકારીઓ ગૃહ રાજ્યમંત્રીની રડાર પર છે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓના ટ્રેક રેકોર્ડ મંગાવ્યા છે. પોલીસ બેડામાં હર્ષ સંઘવીએ સફાઇ શરૂ કરી છે. હર્ષ સંઘવીએ ભરૂચના બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. પીઆઇ જી.એચ.દહિયાને પણ સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે.

આશિષ ભાટિયા પોલીસ કમિશનર હતા ત્યારે તેમના રીડર તરીકે જી.એચ.દહિયા રાઇટર તરીકે ફરજ બજાવતા હતા. તે સમયે પણ જી.એચ.દહિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. દહિયા સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા હતા આ દરમિયાન તેમણે કબુતરબાજ ભરત પટેલ પાસેથી 30 કરોડ રૂપિયા લીધા હોવાની ફરિયાદ થઇ હતી. આ ફરિયાદના આધારે તેમની સામે તપાસ પણ કરવામાં આવી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓના ટ્રેક રેકોર્ડ મંગાવ્યા હતા અને તેના આધારે પીઆઇ જી.એચ.દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આવનારા સમયમાં પણ કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ ગૃહરાજ્યમંત્રીની રડારમાં છે અને તેમના ટ્રેક રેકોર્ડના આધારે તેમણે આગામી સમયમાં ચેતવણી આપીને કાર્યવાહી કરવામાં આવી શકે છે.

(10:44 pm IST)