Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ઇન્‍ટરનેટ પર મોટી લાલચ આપીને થાય છે ફ્રોડ

સાવધાન... ઓનલાઇન છેતરપીંડીથી બચો

અમદાવાદ, તા.૧૯: હાલમાં તમારા ધ્‍યાનમાં સોશ્‍યલ મીડીયા અથવા અન્‍ય કોઇ જગ્‍યાએ રોકાણ માટેની જોરદાર તકની જાહેરાત આવી છે ! તો બની શકે કે છેલ્લા ત્રણ વર્ષમાં રોકાણ બાબતે થઇ રહેલી છેતરપીંડીઓમાંથી તે એક હોય. આવી છેતરપીંડીઓના કેસ ૨૦૨૦માં ૫૧ હતા જે ૨૦૨૧માં ૧૦ ગણા વધીને ૫૩૬ અને ૨૦૨૨માં ૩૪ ગણા વધીને ૧૭૪૯ થઇ ગયા છે.

સાયબર સેલ ગુજરાતના એસ પી સુબોધ ઓડેદરાએ કહ્યું કે આવી મોટા ભાગની છેતરપીંડીઓમાં સાયબર ગુનેગારો લોકોનો સંપર્ક કરીને આંબલી પીપળી બતાવીને તેમને અસ્‍તીત્‍વમાં જ ના હોય તેવી સ્‍કીમ અથવા પ્રોડકટમાં રોકાણ કરવા મનાવી લે છે. એકવાર પેમેન્‍ટ મળી જાય પછી તેઓ અદ્રશ્‍ય થઇ જાય છે. તેમણે કહ્યું કે અમે આવા ખાતાઓ ફ્રીઝ કરાવવા સક્રિય રીતે કામ કરતા રહીએ છીએ.

તેમણે કહ્યું કે આવી છેતરપીંડીનો ભોગ બનનાર વ્‍યકિતએ તાત્‍કાલિક ગુજરાત સ્‍ટેટ સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇન નં.૧૯૩૦ પર સંપર્ક કરવો જોઇએ જેથી પોલીસ જે ખાતામાં પૈસા ટ્રાન્‍સફર થયા હોય તેને ફ્રીઝ કરી શકે. કોઇ ચાલુ કંપનીની નકલ કરીને અપરાધીઓ વેબસાઇટ, ઇમેલ મેસેજ અને ડાયરેકટ કોન્‍ટેકટ પ્રચાર અભિયાન ચલાવે છે. ઘણીવાર તેઓ મોટા રીટર્ન બતાવતી નાણાકીય પ્રોડકટો બતાવે છે. તેઓ એકદમ સાચી હોય તેવી જ વેબસાઇટ બનાવે છે. એક વાર પૈસા ટ્રાન્‍સફર થઇ જાય પછી તેઓ અદ્રશ્‍ય થઇ જતા હોય છે. ઘણીવાર આ નાણા ગુનાહિત પ્રવૃતિઓને ફંડીંગ માટે પણ વપરાતા હોય છે.

(4:02 pm IST)