Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

લોખંડી બંદોબસ્‍ત ધરાવતી સાબરમતી જેલમાં કાચા, પાકા કામના કેદીઓ અને જેલ સ્‍ટાફ વચ્‍ચે ૭ દિવસના જંગના મંડાણ

કાચા કામના અને પાકા કામના આરોપીનો અને જેલ સ્‍ટાફ વચ્‍ચે વોલી બોલ ટુર્નામેન્‍ટનો રાજયના મુખ્‍ય જેલ વડા ડો.કે.એલ.એન.રાવ દ્વારા પ્રારંભ : ૧૪ મેચ બાદ ૨૬મીએ ફાઇનલ મેચ, જેલ અધિક્ષક તેજસ પટેલ ટીમ દ્વારા અનેરું આયોજન

રાજકોટ તા.૨૦ : સાબરમતી જેલમાં બંધ કેદીઓ, અન્‍ય આરોપીઓ તથા જેલ સ્‍ટાફ વચ્‍ચેનો જંગ મોટા પાયે શરૂ થયેલ છે, ૭ દિવસ સુધી ચાલનાર જંગનો પ્રારંભ ગુજરાતના મુખ્‍ય જેલ વડા અને રાજયની જેલમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી, કેદીઓને આત્‍મનિર્ભર બનાવવા સાથે રાષ્‍ટ્રીય લેવલે ગુજરાતની જેલોને એવોર્ડ અપાવનાર મુખ્‍ય જેલ વડા ડો.કે.એલ.એન.રાવ હસ્‍તે પ્રારંભ થયો છે, આટલું વાંચી ચોકી ન ઉઠતા આ જંગ વોલીબોલ જંગ છે અને તંદુરસ્‍ત સ્‍પર્ધા છે.

પોલીસ મહાનિર્દેશક શ્રી કે.એલ.એન.રાવ, જેલ અને સુધારાત્‍મક વહીવટ, ગુજરાત રાજય અમદાવાદનાઓ દ્વારા અગાઉ થયેલ સુચનાઓ અને માર્ગદર્શન અનુસાર કેદી/ આરોપીઓમાં રમતગમત તથા રચનાત્‍મક પ્રવૃતિ વિકસાવવા તેમજ શારીરિક માનસિક રીતે સુદ્રઢ બનાવવાના તેમજ જેલ કર્મચારી અને આરોપી/ કેદીઓ વચ્‍ચે સુમેળતા ભર્યા સંબંધ કેળવવાના હેતુથી અધિક્ષકશ્રી તેજસ પટેલ, અમદાવાદ મધ્‍યસ્‍થ જેલના માર્ગદર્શન હેઠળ વોલીબોલ ટુર્નામેન્‍ટ-૨૦૨૩નું તા.૧૯થી તા.૨૬.૧ દરમિયાન આયોજન કરવામાં આવેલ છે.

જે ટુર્નામેન્‍ટમાં કેદી/ આરોપીઓ દ્વારા અને જેલ કર્મચારીઓ દ્વારા ખુબ જ ઉમેળકાભેર ભાગ લેવામાં આવેલ છે. જે ટુર્નામેન્‍ટના ભાગરૂપે નવી જેલની ૨ ટીમ, જુની જેલની-૨, કાચા આરોપીઓમાંથી ૨ અને પાકા કેદીઓમાંથી ૨ ટીમ એમ કુલ આઠ ટીમ દ્વારા ભાગ લેવામાં આવનાર છે. સદર ટુર્નામેન્‍ટનું પોલીસ મહાનિર્દેશક શ્રી કે.એલ.એન.રાવ, જેલ અને સુધારાત્‍મક વહીવટ, ગુજરાત રાજય અમદાવાદનાઓ હસ્‍તે ટુર્નામેન્‍ટ ખુલ્‍લી મુકવામાં આવેલ જે ટુર્નામેન્‍ટ કુલ ૧૪ મેચના અંતે તા.૨૬ના રોજ ફાઇનલ મેચ રમવામાં આવનાર છે. ત્‍યારબાદ વિજેતા ટીમ અને ખેલાડીઓને પુરસ્‍કાર ટ્રોફી અને ઇનામ વિતરણ કરવામાં આવનાર છે

(1:58 pm IST)