Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

પઠાણ ફિલ્‍મ મામલે રાજ્‍યની સુલેહ શાંતિ જોખમાય તેવો વિડીયો બનાવનાર સન્‍ની શાહ (તાઉજી) વિરૂધ્‍ધ ગુનો

જો પઠાણ મુવી તમે તમારા થિયેટરમાં લગાવી એનું પોસ્‍ટર પણ દેખાયું તો થિયેટરની અંદર તોડફોડ થાય કે બેનરો તુટે, ખુરશીઓ તુટે કે તમારૂ થિયેટર સળગે તો તેની તમામ પ્રકારની જવાબદારી તમારી રહેશે... એવી ધમકી આપી હતી : અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના કર્મચારીએ સોશિયલ મિડીયા પર આ વિડીયો નિહાળ્‍યા બાદ કાર્યવાહીઃ વિડીયોમાં કહેવાયું હતું કે- જો તમારા નાટકો સહન નહિ થાય તો અમારે નાટકો કરવા પડશે

રાજકોટ તા. ૨૦: શાહરૂખ ખાન અને દિપીકા પાદુકોણ અભિનીત પઠાણ ફિલ્‍મ મામલે ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. હવે આગામી ૨૫મીએ ફિલ્‍મ રિલીઝ થવાની છે એ પહેલા ફિલ્‍મ રિલીઝ થશે તો શું થશે? તેનો ધમકી ભર્યો વિડીયો બનાવી સોશિયલ મિડીયામાં વહેતો કરનાર વ્‍યક્‍તિ વિરૂધ્‍ધ અમદાવાદ સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે.

આ બારામાં અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનના લોકરક્ષક અમિત ગણપતભાઇ પટણીની ફરિયાદને આધારે સન્‍ની ગિરીશકુમાર શાહ (તાઉજી) વિરૂધ્‍ધ આઇપીસી ૧૫૩, ૧૫૩-ક, (૧-ક-ખ), ૫૦૫ (૧-ખ), ૫૦૬ (૧) મુજબ રાજ્‍યમાં કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિને નુકસાન થાય અને સુલેહ શાંતિનો ભંગ થાય તેવો વિડીયો બનાવી સોશિયલ મિડીયામાં પ્રચાર કરવાનો ગુનો દાખલ કરાયો છે.

કોન્‍સ્‍ટેબલ અમિત પટણીએ પોતાની ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું છેલ્લા બે વર્ષથી સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવુ છુ અને સોશિયલ મિડીયાના મોનીટરીંગ સેલમાં લોકોની સોશિયલ મિડીયાની એક્‍ટીવીટી પર વોચ રાખવાની અને ટેકનિકલ એનાલિસીસ કરવાની કામગીરી કરૂ છુ. જો કોઇપણ વ્‍યક્‍તિ સોશિયલ મીડીયા પર કોઇ અફવા ફેલાય કે જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય કે કાયદો વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતીને અસર થાય તેવી ગુનાહિત પ્રવ્રુતિ કરતા હોય તો તેના વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવાની મારી ફરજ છે.

હાલમાં ભારત દેશના ફિલ્‍મ એકટર શાહરૂખ ખાન તથા અભિનેત્રી દિપીકા પાદુકોણની ફિલ્‍મ પઠાણનો તેને થિયેટરોમાં રીલીઝ કરવા બાબતે વિરોધ થઇ રહેલ હોઇ જેથી દેશમાં જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે અને કોઇપણ વ્‍યક્‍તિ કોઇ ધર્મ, જાતી, વર્ગ કે જ્ઞાતી વચ્‍ચે વૈમનશ્‍ય કે તિરસ્‍કાર ફેલાય તેવા વાંધાજનક મેસેજો, પોસ્‍ટ, ફોટો, વિડીયો સોશીયલ મિડીયામાં વાઇરલ કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તથા કોઇ વર્ગને ઉશ્‍કેરવાની કોશિષ કરે અથવા જાહેર ખાનગી મિલ્‍કતને નુકશાન કરવાની ધમકી આપે તેવા પ્રયત્‍નો કરવાના હોય તેવા વિડીયો કે મેસેજ દ્વારા પોસ્‍ટ થાય તો આવી પ્રવૃતિ પર નજર રાખવાની સુચના ડીસીપી સાયબર ક્રાઇમ તરફથી મળી હતી.

તે અનુસંધાને તા.૧૭/૧/૨૩ના રોજ  સોશિયલ મિડીયાના અલગ અલગ પ્‍લેટફોર્મ ઉપર હું વોચ રાખી રહ્યો હતો ત્‍યારે ન્‍યુઝ મિડિયાના માધ્‍યમથી સન્‍ની ગીરીશકુમાર શાહ (તાઉજી)એ ગુજરાત રાજ્‍ય ના તમામ થિયેટર માલિકોને ઉદ્દેશીને  વિડીયો મુક્‍યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે-‘એક આલોચના સમજો કે નિવેદન સમજો એ કરવા માટે ઉપસ્‍થિત છું કે,જો પઠાણ મુવી તમે તમારા થિયેટરમાં લગાવી એનુ પોસ્‍ટર પણ દેખાયુ તો થિયેટરની અંદર તોડફોડ થાય કે બેનરો તુટે ખુરશીઓ તુટે કે તમારૂ થિયેટર સળગે તો તેની તમામ પ્રકારની જવાબદારી તમારી રહેશે, કારણકે આ મુવી અંદર હિન્‍દુ ધર્મની લાગણી દુભાય તેવો વેપાર કરવામાં આવ્‍યો છે. એવા કોઇપણ પ્રકારના વેપાર હિન્‍દુ સંસ્‍કળતિને નુક્‍શાન કરે, એવા કોઇપણ વ્‍યવસ્‍થા પૂર્વક જે આમણે વેપાર કર્યો છે તે અમે ચલાવી લઇશુ નહી, તેનો વિરોધ પણ થશે, જરૂર પડશે તો તમારા નાટ્‍કો સહન નહી થાય તો અમારે નાટકો કરવા પડશે.

વિડીયોમાં આગળ કહેવાયું હતું કે-જો અમે નાટકો પર ઉતરી આવ્‍યા તો અમને ભગવા આતંકવાદી કહેવામાં આવશે, અમે ભગવા આતંકવાદી છીએ આ શબ્‍દ અમને મંજુર છે, કારણકે જો તમે નાટ્‍કો બંધ નહી કરો તો અમે જે કરીશુ તે તમે સહન નહી કરી શકો, તમારા મીડીયાના માધ્‍યમથી હું ગુજરાત રાજ્‍યના દરેકે દરેક થિયેટર માલીકોને નિવેદન કરું છુ. ફરીથી કહુ છુ કે નિવેદન કરુ છુ અત્‍યારે, એકજ વાર કરીશ, બીજીવાર નિવેદન નહી થાય. પછી આલોચના થશે, ને સંઘર્ષ પુર્વક થિયેટરોની જે પણ હાલત થશે તેની જવાબદારી અમારી રહેશે.

આ પ્રકારની હિન્‍દુ તેમજ મુસ્‍લીમ ધર્મની લાગણી દુભાય અને જાહેર જનતા તથા થિયેટર માલિકોને નુકશાન કરવાની ધમકી આપતો વિડિયો બનાવી મીડીયા માધ્‍યમથી પ્રસાર કરી સામાજીક સમરસતાનું વાતાવરણ ડહોળાય તથા લોકો ઉશ્‍કેરાય તેવા પ્રયત્‍નો કર્યા હોઇ આ વીડીયોને કાર ણે સમગ્ર અમદાવાદ શહેર અને સમગ્ર રાજ્‍યમાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરીસ્‍થિતીને નુકશાન થાય અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવી શકયતા જણાઇ આવતી હોઇ જેથી સન્‍ની ઉર્ફ તાઉજી ગિરીશકુમાર શાહ વિરૂધ્‍ધ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમ વધુમાં એફઆઇઆરમાં જણાવાયું છે. આસી. સબ ઇન્‍સ. વાય. વી. સોલંકીએ વિશેષ તપાસ ઉચ્‍ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરી છે.

થિયેટર માલિકોએ ગૃહમંત્રી

સાથે મુલાકાત યોજી

રિલીઝ પહેલા પઠાણ ફિલ્‍મને લઈ છેલ્લા કેટલાક સમયથી ભારે વિવાદ ચાલી રહ્યો છે. ત્‍યારે ફિલ્‍મને રીલિઝ કરવાને લઈ થિયેટર માલિકોએ ગળહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. આગામી ૨૫ જાન્‍યુઆરીએ પઠાણ ફિલ્‍મ રીલીઝ થવાની છે. જેથી થિયેટર માલિકોએ પઠાણ ફિલ્‍મને લઈ થિયટરને સુરક્ષા પુરી પાડવા માટે રજૂઆત કરી હતી. ગળહ રાજ્‍યમંત્રી સાથે મુલાકાત બાદ મલ્‍ટીપ્‍લેક્ષ એસોસિએશનના પ્રમુખ મનુભાઈ પટેલે જણાવ્‍યુ હતુ કે, ગૃહ રાજ્‍યમંત્રીએ થિયેટરોને સુરક્ષા આપવાની ખાતરી આપી છે.

(4:47 pm IST)