Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

પંચાયત વિભાગમાં વહીવટી સુધારણા:તાલુકા વિકાસ અધિકારીની તમામ જગ્યાઓ ભરવામાં આવી.

રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતીરાજ માળખા અંતર્ગત ૩૩ જિલ્લા પંચાયતો, ૨૪૮ તાલુકા પંચાયતો તેમજ ૧૪,૫૬૦ ગ્રામ પંચાયતો

ગાંધીનગર :રાજ્યમાં ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૬૧ અને ૧૯૯૩માં કરાયેલ ૭૩માં બંધારણીય સુધારણાથી ગુજરાતમાં પંચાયતીરાજનો અમલ થયેલ છે અને પંચાયતીરાજ વ્યવસ્થાને બંધારણીય સ્થાન મળેલ છે.

ગુજરાત રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતીરાજ માળખા અંતર્ગત ૩૩ જિલ્લા પંચાયતો, ૨૪૮ તાલુકા પંચાયતો તેમજ ૧૪,૫૬૦ ગ્રામ પંચાયતો અસ્તિત્વ ધરાવે છે. રાજ્યના સરકારી કામકાજના ૨૬ વહીવટી વિભાગો પૈકીના પંચયાત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગએ સરકારના જુદા-જુદા ૧૭ વિભાગોની કામગીરી ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ વિભાગોની યોજનાઓ, સેવાઓ અને વિકાસના કામો લોકો સુધી પહોંચાડવા માટે પંચાયત વિભાગ એક અનોખુ મંચ (પ્લેટફોર્મ) પુરૂ પાડે છે અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતની કામગીરી ૧૭ વિભાગો સાથે સંકળાયેલ હોઇ, જિલ્લા પંચાયતને મિનિ સચિવાલય તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની દીર્ઘદ્રષ્ટિ અને પંચાયત વિભાગ માટે તેમના વિઝન અને મંત્રી(રાજ્ય કક્ષા)  બચુભાઇ ખાબડનાં માર્ગદર્શનથી તેમજ પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી વિપુલ મિત્રાના વહિવટી સુધારણા સાથેના નવતર પ્રયોગો સાથે વહીવટી સુધારણાનો દોર શરૂ કરવામાં આવેલ છે.

 રાજ્યમાં સરકારની યોજનાઓનો અસરકારક રીતે અમલ કરવા માટે પંચાયત વિભાગ હસ્તકની તાલુકા કક્ષાની તાલુકા વિકાસ અધિકારીની જગ્યા સમગ્ર પંચાયતી માળખાની કરોડ રજ્જુ છે. આ જગ્યાઓ નિયમિત રીતે ભરાયેલી રહે તો ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામો ઝડપથી અને ઉચ્ચ ગુણવત્તાના થાય આ માટે પંચાયત વિભાગ દ્વારા સીધી ભરતી તેમજ બઢતીથી તમામ તાલુકા વિકાસ અધિકારીની જગ્યાઓ ભરવાની થાય. આજે રાજ્યના ૨૪૮ તાલુકાઓમાં ૧૦૦% તાલુકા વિકાસ અધિકારીની જગ્યાઓ ભરવામાં આવેલ છે. જેમ ગુજરાત રાજ્ય માટે ૨૦૨૨નું વર્ષ ઐતિહાસિક વર્ષ રહ્યુ છે તેમ પંચાયત વિભાગે ૨૦૨૩ની શરૂઆત ઐતિહાસિક સિધ્ધિ નોંધાવી કરેલ છે.

રાજ્ય સરકારે આદિજાતિ વિસ્તારના વિકાસ તેમજ આ વિસ્તારમાં યોજનાઓના અસરકારક અમલીકરણ માટે જુદા-જુદા તાલુકાઓમાં આયોજન-સહ-તાલુકા વિકાસ અધિકારી, વર્ગ-૧ની જગ્યાઓ મંજુર કરેલ આ જગ્યાઓ ભરવા માટે પંચાયત વિભાગ દ્વારા આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી, વર્ગ-૧ની કુલ-૧૧ જગ્યાઓને તાલુકા વિકાસ અધિકારી, વર્ગ-૨નાં તરીકે ડાઉનગ્રેડ(તબદીલ) કરવાનો મોટો નિર્ણય લઇ તે તમામ જગ્યાઓ ભરેલ છે. આ ઉપરાંત રાજ્યની ૩૩ જિલ્લા પંચાયતોમાં ચિટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી(જ.દ.) ની તમામ ૩૩ જગ્યાઓ ઉપર બઢતી આપી અધિકારીઓની નિમણૂંક કરવામાં આવેલ છે. સાથે સાથે રાજ્યની પ્રાથમિકતાઓને સાથે જોડીને તેમની કામગીરીમાં નીચે મુજબ વધારો કરવામાં આવેલ છે.

(૧)   પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓ, સેવાઓ અને વિકાસના કામો, જિલ્લા પંચાયત હસ્તકના વાહનો,  જિલ્લા પંચાયત હસ્તકના મકાનો, જિલ્લા પંચાયતને સંબંધિત કોર્ટ કેસો, વેરા વસુલાત તેમજ મહેકમ વિષયક તમામ બાબતોનો સંકલિત ડેટાબેઝ તૈયાર કરાવી જિલ્લા વિકાસ અધિકારીની સૂચના મુજબ તેનું સઘન મોનીટરીંગ કરવાનું રહેશે તેમજ તે અંગેનો માસિક અહેવાલ વિકાસ કમિશનરશ્રીની કચેરી મારફત વિભાગ ખાતે સાદર કરવાનો રહેશે. ઉપરાંત આ ડેટાબેઝ સંબંધિત પોર્ટલ પર સમયાંતરે અપલોડ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

(૨)   ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી (જ.દ.)એ આકસ્મિક નિરીક્ષણ ટીમ બનાવવાની રહેશે. જિલ્લા વિકાસ અધિકારીની સૂચના મુજબ જિલ્લા પંચાયત હસ્તકની તાલુકા પંચાયતની કચેરીઓ, ગ્રામ પંચાયતોનું આકસ્મિક નિરિક્ષણ કરવાનું રહેશે. આ નિરીક્ષણનો Actionable Points/Best Practices સાથેનો માસિક નિરીક્ષણ અહેવાલ વિકાસ કમિશનરશ્રીની કચેરી મારફત વિભાગમાં સાદર કરવાનો રહેશે.

(૩)   આ આકસ્મિક નિરીક્ષણ અંતર્ગત ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી (જ.દ.)એ માસિક ઓછામાં ઓછી એક તાલુકા પંચાયત અને ઓછામાં ઓછી પાંચ ગ્રામ પંચાયતોનું આકસ્મિક નિરીક્ષણ કરવાનું રહેશે.

(૪)   ઉક્ત કામગીરી ચીટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી (જ.દ.)એ સીધા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના નિયંત્રણ હેઠળ કરવાની રહેશે તેમજ ઉક્ત તમામ કામગીરીનું યોગ્ય રીતે પાલન થાય તે વિકાસ કમિશનરશ્રીએ સુનિશ્વિત કરવાનું રહેશે.

      આ સિવાય જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતેની તાલુકા વિકાસ અધિકારી વર્ગ-૨ની ૧૧ જગ્યાઓ ભરવામાં આવેલ છે.

          અત્રે ઉલ્લેખનીય છે કે, પંચાયત વિભાગ અન્ય વિભાગોની યોજનાઓને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના માળખાથી ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે ત્યારે વર્ગ-૩ની ૧૩,૦૬૮ જેટલી જગ્યાઓ મિશન મોડથી સીધી ભરતીથી ભરવાનું આયોજન કરેલ છે. જે પણ એક સિમાચિહ્ન રૂપ છે.

(7:41 pm IST)