Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

કેન્સર જેવી ગંભીર બીમારીને વધતી અટકાવવા માટે જનજાગૃતિ એજ સૌથી મોટુ માધ્યમ છે - ડૉ. દર્શનાબેન દેશમુખ

રાજપીપલાની જુની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં યોજાયેલા વિનામૂલ્યે કેન્સર નિદાન અને સારવાર કેમ્પને ખુલ્લો મુકતા નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ: જિલ્લા આરોગ્ય વિભાગ, જનરલ હોસ્પિટલ-રાજપીપલા અને જયાબેન મોદી હોસ્પિટલ-અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે યોજાયો વિનામૂલ્યે કેન્સર નિદાન અને સારવાર કેમ્પ: શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લેતા દર્દીઓ : જયાબેન મોદી હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ પુરી પાડેલી વિનામૂલ્યે સેવા

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની રાહબરી અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજરોજ જુની સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે ચાલી રહેલા અર્બલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં વિનામૂલ્યે કેન્સર નિદાન અને સારવાર કેમ્પ જિલ્લા આરોગ્ય વિભાગ, જનરલ હોસ્પિટલ-રાજપીપલા અને અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.

  વિનામૂલ્યે કેન્સર નિદાન અને સારવાર કેમ્પના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, કેન્સર જેવી ગંભીર બીમારીને નાથવા માટે આપણે સૌ નાગરિકોએ જાગૃત થવું પડશે. ખાસ કરીને મહિલાઓમાં જોવા મળતા કેન્સર પાછળ ગ્રામિણ વિસ્તારની મહિલાઓમાં જોવા મળતી જાગૃતિનો અભાવ પણ કારણભૂત બને છે. મહિલાઓ પોતાના બાળક અને પરીવાર માટે ઘણું કરી છુટે છે પણ તે પોતાના સ્વાસ્થ્ય માટે ક્યારેય કંઈ વિચારતી નથી. પોતાની નાની નાની સમસ્યાઓ કોઈને કહી શકતી નથી જેના કારણે મોટી બિમારીઓ શરીરમાં ઘર કરી જતી હોય છે. આવા સંજોગોમાં ગ્રામ્ય વિસ્તારના બહેનોને જાગૃત કરવા માટે આંગણવાડી કાર્યકર બહેનો ઉત્તમ માધ્યમ છે, ગ્રામિણ કક્ષાએ આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા નર્સિંગ સ્ટાફ આ કાર્યકર બહેનોની મદદ લઇને ગ્રામીણ વિસ્તારની મહિલાઓ સુધી આરોગ્ય લક્ષી ઉત્તમ સુવિધાઓ પહોંચાડવામાં ખૂબ સરળતા રહેશે.
  વધુમાં ધારાસભ્ય ડૉ. દેશમુખે ઉમેર્યું કે, સરકારની આયુષ્યમાન ભારત યોજના કેન્સર જેવી ગંભીર બીમારીઓના સારવાર માટે જિલ્લાના નાગરિકોએ સહાયક બની રહી છે. આ કાર્ડ થકી ગામડાનો કોઈપણ નાગરિક સરળતાથી મોંધી સારવાર પોતાના ખિસ્સામાંથી નાણાં વેડફ્યા વિના કરાવી શકે છે. પહેલાના સમયમાં આર્થિક અગવડતાના કારણે લોકો આવી ગંભીર બીમારીઓમાં સારવાર કરાવવાથી પીછેહટ કરતા હતા જે હવે આયુષ્યમાન કાર્ડ મળવાથી નાગરિકો માટે મોંઘી સારવાર કરાવવી પણ સરળ બની ગઈ છે.
 કેન્સર જેવી ગંભીર બીમારીને વધતી અટકાવવા માટે જનજાગૃતિ એજ સૌથી મોટુ માધ્યમ છે. ખાસ કરીને ૧૫ થી ૩૫ વર્ષની વયની દીકરી/મહિલાઓ માં સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ મેળવવા માટે હવે વેક્સિનનો પણ ઉપયોગ થાય છે. જ્યારે જરૂરીયાત જણાય ત્યારે આ વેક્સિન માટે પણ ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને જાગૃતિ કરવી જરૂરી બની જાય છે. જેથી નર્મદા જિલ્લાને કેન્સર મુક્ત બનાવવા સૌ નાગરિકોને સાથે મળીને આ અભિયાનમાં જોડાઈને કેન્સરના રેશિયોને ઘટાડી શકાય તેમ છે. નર્મદા જિલ્લામાં સ્વાસ્થ્યને લગતી સરકારશ્રીની સેવાઓને જન જન સુધી પહોંચાડીને ભગીરથ સેવાના કાર્યમાં સૌને સહભાગી થવા ધારાસભ્યએ અપીલ કરી હતી.
  અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે યોજાયેલા આ કેન્સર નિદાન અને સારવાર કેમ્પમાં અંકલેશ્વર સ્થિત જયાબેન મોદી હોસ્પિટલના મેડીકલ ઓન્કોલોજીસ્ટ ડૉ. મનીષ જાની, ગાયનેક ઓન્કોલોજીસ્ટ ડૉ. હિમાલીબેન પટેલ અને ફિઝીસીયન ડૉ. કોમલબેન મખીજાની સહિત રાજપીપલાની જનરલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ ઉપસ્થિત રહી નિદાન અને સારવાર સાથે દર્દીઓનું કાઉન્સેલીંગ કર્યું હતું. કેમ્પના ઉદધાટન પ્રસંગે મુખ્ય જિલ્લા  આરોગ્ય અધિકારી ડૉ. જનકકુમાર માઢક, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનીલ વસાવા, જિલ્લા ટી.બી. અધિકારી ડૉ. ઝંખનાબેન વસાવા, નાંદોદ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એ.કે. સુમન, આરસીએસઓ ડૉ. મુકેશ પટેલ, ડીએલઓ ડૉ. હેતલ ચૌધરી સહિત જિલ્લા આોરગ્ય વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ, ડૉક્ટરો અને નર્સીંગ સ્ટાફ હાજર રહ્યો હતો. વિનામૂલ્યે કેન્સર નિદાન અને સારવાર કેમ્પમાં શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો

(10:08 pm IST)