Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

એકતાનગર નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતીમાં સામેલ થઈને દિવ્યતાનો અનુભવ કરતા મંત્રી ભીખુસિંહ પરમાર

રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર નર્મદા જિલ્લાની મુલાકાતે

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : આંતરરાષ્ટ્રીય પ્રવાસનનું કેન્દ્રબિંદુ બની રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે અખંડ ભારતના પ્રણેતા, લોહપુરુષ એવા સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

 સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં સહેલાણીઓ માટે યોજાતા વિશેષ આકર્ષણનું કેન્દ્ર અને સરદાર સાહેબની જીવન ઝાંખીનો અદભૂત લેઝર શો નિહાળ્યો હતો. તેઓએ દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમથી અદભૂત રીતે પ્રસ્તુત કરવામાં આવેલા સરદાર સાહેબના જીવનકવન અને વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના નિર્માણની ઝીણવટભરી માહિતી લેઝર શોના માધ્યમથી મેળવી અતિ પ્રસન્નતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. લેઝર શો નિહાળ્યા બાદ પ્રભારી મંત્રીએ મા નર્મદાના તટે નર્મદા આરતીમાં સહભાગી બની ભાવપૂર્વક પૂજન કરી દિવ્યતાનો ભાવ પ્રગટ કર્યો હતો.
  જિલ્લા પ્રભારી મંત્રીએ પોતાના નર્મદા જિલ્લાના પ્રવાસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમ વાર હાજરી આપ્યા બાદ ગૌરવાન્વિત થયાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.ગુરુવારે સાંજે લેઝર શો અને નર્મદા આરતીમાં મંત્રી સાથે નાંદોદના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ઉમેશભાઈ શુક્લા,ગરૂડેશ્વરના મામલતદાર મનીષભાઈ ભોઈ, મંત્રીના લાયઝન અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પી.બી.રાણપરિયા સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ થયા હતા.

 

(10:20 pm IST)