Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

નાંદોદના પૂર્વ ધારાસભ્ય પી.ડી.વસાવા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્રારા વિધાનસભા ચુંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર 33 જેટલા કોંગ્રેસી હોદ્દેદારો અને આગેવાનો સામે કડક પગલાં ભર્યા છે.જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ અને નાંદોદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પી.ડી.વસાવા અને નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશ વાળંદને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.

  ગુજરાત વિધાનસભા ચુંટણીમાં કારમી હાર બાદ પ્રદેશ કોંગ્રેસે હારનું પોસ્ટ મોર્ટમ કરવા માટે કોંગ્રેસના ઉમેદવારો અને જિલ્લા તથા તાલુકા કક્ષાના આગેવાનો સાથે બેઠક યોજી હતી.એ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારો અને પક્ષના પીઢ આગેવાનોએ પક્ષના જ આગેવાનો દ્વારા કોંગ્રેસ વિરોધી કામગીરી કરી હોવાની ઘણી ફરિયાદો પ્રદેશ કોંગ્રેસને કરી હતી.જેથી પ્રદેશ કોંગ્રેસે એવું સ્પષ્ટ માની લીધું હતું કે ગદ્દારો વિરૂદ્ધ જો કડક કાર્યવાહી નહિ કરાય તો ભવિષ્યમાં પક્ષને મોટુ નુકશાન થશે.
  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ શિસ્ત સમિતિને પક્ષ વિરોધ કામ કરનારા સામે પગલાં લેવા 71 અરજીઓ મળી હતી, જેમાં વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા કુલ 95 નેતાઓના નામ સામેલ હતા.આ તમામને શિસ્ત સમિતિ દ્વારા સાંભળવામાં આવ્યા હતા અને એમની ભૂમિકા શું હતી એ નક્કી કર્યા બાદ કોંગ્રેસ 33 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે.એ પૈકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસે એક સમયના એહમદ પટેલના અંગત વ્યક્તિ અને નાંદોદના પૂર્વ ધારાસભ્ય પી.ડી.વસાવા અને નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશ વાળંદને પણ 6 વર્ષ માટે કોંગ્રેસ માંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે

(10:26 pm IST)