Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ચૂંટણી બાદ કોંગ્રેસની આકરી કાર્યવાહી : 38 કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સસ્પેન્ડ:18ને શૉ કોઝ નોટિસ ફટકારી

વિધાનસભા ચૂંટણી 2022માં શિસ્ત ભંગ કર્યો હોય તેવી કુલ 71 ફરિયાદો મળી : સુરેન્દ્રનગર અને નર્મદા જિલ્લા પ્રમુખોને સસ્પેન્ડ કરાયા :પૂર્વ ધારાસભ્ય પી,ડી,વસાવા પણ સસ્પેન્ડ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ એક્શનમાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કોંગ્રેસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે.  કોંગ્રેસની શિસ્ત સમિતિ દ્વારા 38 કાર્યકર-પદાધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

   ઉપરાંત શિસ્ત સમિતિ દ્વારા 4 લોકો વિરુદ્ધ હજુ ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં શિસ્ત ભંગ કર્યો હોય તેવી કુલ 71 ફરિયાદો મળી હતી. જેમાં સ્પષ્ટ રજૂઆત છે તેવા કુલ 38 કાર્યકર્તા-આગેવાનોને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા

કોંગ્રેસની શિસ્ત સમિતિ દ્વારા સુરેન્દ્રનગર અને નર્મદાના જિલ્લા પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાજપૂત અને નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશ વાળંદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા પ્રમુખ પી.ડી. વસાવાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તી બદલ પૂર્વ ધારાસભ્ય પી.ડી વસાવા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના શિસ્ત સમિતિના કન્વીનર બાલુભાઈ પટેલે આ અંગે જણાવતા કહ્યું છે કે, ઘણા સમયથી પ્રદેશ સમિતિમાં શિસ્ત સમિતિ કામ કરે છે. આ વખતે ડિસેમ્બર 2022માં તેની પુનઃરચના કરવામાં આવી છે. શિસ્ત સમિતિનું બે પ્રસંગો વખતે કામ હોય છે (1) ચૂંટણી સમયે કાર્યકર પક્ષના વિરુદ્ધ કામ કરે ત્યારે (2) વર્ષ દરમિયાન સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આદેશ ભંગ કરે ત્યારે. જ્યારે કોઈપણ કાર્યકર માટે શિસ્ત ભંગની ફરિયાદ મળે ત્યારે જેણે શિસ્ત ભંગ કર્યા છે તે વિગતની ગંભીરતા પ્રમાણે તેની સામે શિસ્ત ભંગના પગલાં ભરવામાં આવે છે. જેમાં તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા, તેમનો હોદ્દો હોય તે પરત લઈ લેવાનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું કે, આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં શિસ્ત ભંગ કર્યો હોય તેવી કુલ 71 ફરિયાદો મળી છે. જેમાં કુલ 95 કાર્યકરોનો સમાવેશ થયો છે. જેમાંથી તા. 05/01/2023ના રોજ શિસ્ત સમિતિની પહેલી મીટીંગ મળી અને તા. 19/01/2023ના રોજબીજી મીટીંગ મળી હતી. તેમાં જેમાં સ્પષ્ટ રજૂઆત છે તેવા કુલ 38 કાર્યકર્તા-આગેવાનોને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. સાથે જે રજૂઆતમાં ચકાસણીની જરૂરિયાત છે તેવા 18 અરજદાર તેમજ જેમની સામે રજૂઆત છે તેમને રૂબરૂ બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પાંચ અરજીઓ એવી છે જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને સંકલિત કરીને નિર્ણય કરાશે. સામાન્ય કેસોમાં 8 વ્યક્તિઓને પત્ર દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે. 12 અરજીમાં કઈ તથ્ય ન જણાતા રદ કરવામાં આવી છે અને 4 કેસમાં વધુ અભ્યાસ કરવાનો હોવાથી આગામી મીટીંગ માટે પેન્ડીંગ રાખવામાં આવી છે

(12:14 am IST)