Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી તથા પેટાચૂંટણીમાં અંદાજે 50 હજાર જવાનો તૈનાત

પંચાયતી વિસ્તારમાંથી અંદાજે 7.10 કરોડ મ્યુ. વિસ્તારમાંથી 93 લાખનો દારૂ જપ્ત: 24 કરોડથી વધુ દારુનો જથ્થો ઉપરાંત રોકડ તથા વાહનો સહિતની માલમત્તા જપ્ત: 48 હજારથી વધુ હથિયારો જપ્ત તથા 25 હજારથી વધુ સામે અટકાયતી પગલાં

અમદાવાદ : રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી વિના વિઘ્ને પસાર થાય તે માટે રાજય પોલીસ તરફથી તમામ પ્રકારની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. આ ચૂંટણીને અનુલક્ષીને જ પોલીસ તરફથી 25 હજારથી વધુ લોકો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. અને 48 હજારથી વધુ લોકોના હથિયારો જમા લેવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યની સરહદો પર ચેકપોસ્ટ ગોઠવવામાં આવી છે. આ ચેકપોસ્ટ પરથી ગેરકાયદે ચીજવસ્તુઓની જપ્તી કરવામાં આવી છે. પંચાયતી વિસ્તારોમાંથી 7 કરોડ 10 લાખ રૂપિયાનું દારુ જપ્ત કરવામાં આવ્યું છે, મ્યુનિસીપાલટી વિસ્તારમાંથી 93 લાખ રૂપિયાનું દારુ જપ્ત કરવામાં આવ્યું છે.

ચુંટણીને અનુલક્ષીને રાજયભરની પોલીસને સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે. આ ચૂંટણીના દિવસે રાજયની છ મહાનગરપાલિકાની ચૂંટણી તથા પેટાચૂંટણીમાં આશરે 50 હજાર જવાનોનો ખડકલો ખડકી દેવામાં આવશે તેમ રાજયના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) આશીષ ભાટીયાએ જણાવ્યું છે.

તેમણે આજે એટલે શુક્રવારે પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું કે રાજયની છ મહાનગરપાલિકાઓની સામાન્ય ચુંટણી તથા જૂનાગઢ મહાનગરપાલિકાની 2-બેઠકોની પેટાચૂંટણી તા.21મી ફ્રેબ્રુઆરીના રોજ યોજાવાની છે. જેની મતગણતરી 23 ફેબ્રુઆરીના રોજ થનાર છે. આ ઉપરાંત 81-નગરપાલિકાઓ, 31-જિલ્લા પંચાયતો અને 231-તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા અન્ય સ્વરાજના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે જેની મતગણતરી 2જી માર્ચે થનાર છે. આમ કુલ -3411 મતદાન મથકોના (કુલ બુથ-11,154) ઉપર મતદાન થવાનું છે.

 

તેમણે જણાવ્યું કે આ ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઉભો ન થાય અને કોઇ ગુનાહિત કૃત્ય ન બને તેની સાવચેતી માટે મહાનગરપાલિકા વિસ્તારમાં આશરે 47,000 જેટલા અટકાયતી પગલાં લેવામાં આવેલ છે. સમગ્ર રાજ્યમાં 1.5 લાખ અટકાયતી પગલાંઓ લેવામાં આવેલા છે. આ ઉપરાંત જે અસામાજીક તત્વો વિરુદ્ધ પગલાં લેવાની જરૂરીયાત હતી તેવા મહાનગરપાલીકા વિસ્તારમાં કુલ-7,000 જેટલા ઇસમો વિરુધ્ધ પાસા, પ્રોહી-93 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ-56/57 હેઠળ અટકાયતી પગલાઓ લેવામાં આવેલા છે. સમગ્ર રાજ્યમાં આ કલમો હેઠળ કુલ-25,800 જેટલા ઇસમો વિરુધ્ધ અટકાયતી પગલાંઓ લેવામાં આવેલ છે. આ ઉપરાંત નાસતાં ફરતા આરોપીઓ પકડવા પણ એક ડ્રાઇવ રાખવામાં આવી છે, જેમાં એક મહિનામાં 1401 ભાગેડું આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે. જાહેરનામા બાદથી આજ દિવસ સુધીમાં કુલ-18,175 વોરંટની બજવણી પણ કરવામાં આવેલી છે.

ડીજીપી આશીષ ભાટીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં કોઇ ખલેલ ન પડે અને કોઇ પ્રલોભન કે દબાણ કરવા માટે પ્રયત્ન ન થાય તે માટે જે પરવાના વાળા હથિયારો છે તેમને પણ પોલીસ દ્વારા જમા લેવામાં આવે છે. જેમાં જેને મુક્તિ આપવામાં નથી આવી તેવા તમામ હથિયારો પણ પોલીસ દ્વારા જમા લેવામાં આવેલ છે. 21મી ફેબ્રુઆરીની ચૂંટણી અનુસંધાને કુલ-14,486 જેટલા હથિયારો જમા લેવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં કુલ-48,282 જેટલા હથિયારો જમા લેવામાં આવેલા છે.

રાજ્યની રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તથા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરા નગરહવેલી સાથે સંકળાયેલા આંતરરાજ્ય સરહદ ઉપર કુલ 97-આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉભી કરવામાં આવેલી છે. ચૂંટણીના જાહેરનામા બાદથી આ ચેક પોસ્ટ સહિત પોલીસના ચેકીંગમાં જે ગેરકાયદે ચીજવસ્તુઓની જપ્તી કરવામાં આવેલી છે.

 

ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે પૂરી થાય તે માટે પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત રાખવા માટેની પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તમામ 3411 મથકો ઉપર પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. ખાસ કરીએ જે મતદાન મથકો સંવેદનશીલ છે, ત્યાં વિશેષ તકેદારી રાખવા વધુ પોલીસ ફોર્સ રાખવામાં આવશે.

આવા તમામ સંવેદનશીલ મથકોની ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મુકાલાત લઇને તેની સુરક્ષાની સમીક્ષા પણ કરવામાં આવી છે. 6 મ્યુનિસીપલ કોર્પોરેશન વિસ્તારમાં જ્યાં ચૂંટણીઓ છે, તેમાં પોલીસના કુલ-10 એકમોનો સમાવેશ થાય છે. આ તમામ એકમોમાં જે હાજર પોલીસ મેહકમ છે, તેના 80 ટકા મહેકમ ચૂંટણીના દિવસે ચૂંટણી પ્રક્રિયા માટે વાપરવામાં આવશે. આ મહેકમમાં અંદાજે- 21,000 જેટલા કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ અને 1500 જેટલા અધિકારીઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત હાલમાં આ એકમો પાસે 30 જેટલી SRPની કંપનીઓ ઉપલબ્ધ છે તેનો પણ ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગ થશે. આ બંદોબસ્ત ઉપરાંત, ડી.જી.પી.ની કચેરી તરફથી અન્ય એકમોમાંથી પણ વિશેષ બંદોબસ્ત ચૂંટણી માટે આપવામાં આવેલ છે. બહારથી કુલ મળીને 1400 જેટલા પોલીસ કોન્સ્ટેબલ અને 14 જેટલી SRPની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવેલ છે. આ ઉપરાંત તમામ એકમોમાં કુલ મળીને 15,500 જેટલા હોમગાર્ડ અને જી.આર.ડી.ના સભ્યોને પણ ચૂંટણી બંદોબસ્તમાં ફરજો આપવામાં આવેલી છે.

આમ કુલ મળીને રવિવારના રોજ યોજાનારી આ ચૂંટણીઓમાં 44-SRPની કંપનીઓ, આશરે ૨૫,૦૦૦ જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ અને 15,500 જેટલા હોમગાર્ડ/જી.આર.ડી. જવાનો ચૂંટણી ફરજ પર રહેશે. આ ઉપરાંત મતદાનના દિવસે પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ પણ ચાલુ રહેશે. જેમાં ખાસ કરીને મતદાન મથકોની સતત મુલાકાત લેવામાં આવે તે માટે પૂરતા અધિકારીઓ પોલીસ વાહન અને સ્ટ્રાંકીંગ ફોર્સ સાથે પેટ્રોલીંગમાં રહેશે. જેમાં કુલ-287 સેક્ટર પોલીસ મોબાઇલ તથા કુલ-136 ક્વીક રીસ્પોન્સ ટીમ કાર્યરત કરવામાં આવેલી છે. તેમ જ EVM Strong Roomની સુરક્ષા અર્થે State Reserve Police Force (SRPF) ને તૈનાત કરવામાં આવી છે. ચૂંટણીના દિવસે કોઇ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય રહે તે સુનિશ્ચિત કરવા સમગ્ર રાજ્યમાં તમામ પોલીસ એકમોમાં સ્ટેન્ડ ટુ રાખવામાં આવનાર છે.

(10:06 pm IST)