Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

રાજ્યમાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસક્રમથી માંડીને પરીક્ષાને લઇને હજુ કોઇ સ્પષ્ટતા નહી

વિદ્યાર્થીઓ સહિત વાલીઓ અને શિક્ષકો મૂંઝવણમાં :પ્રાથમિક વિભાગમાં ક્યાંથી કોર્ષ ચલાવો અને શું ભણાવવું તે અંગે પણ સ્પષ્ટતા કરાઇ નથી

અમદાવાદ : રાજયમાં માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ શરૂ થઇ ગયું છે. તેમાંય રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-6થી 8માં શાળામાં તાજેતરમાં જ ફિઝિકલ શિક્ષણનો પ્રારંભ થયો છે. જ્યારે ધો. 1થી 5માં આગામી દિવસોમાં શિક્ષણ શરૂ થાય તેવી શક્યતાઓ છે. જોકે હજુ સુધી પ્રાથમિક વિભાગમાં અભ્યાસક્રમ અને પરીક્ષાને લઇ કોઇ સ્પષ્ટતા કરાઇ ના હોવાથી વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો મૂંઝવણમાં મુકાયા છે. ધોરણ 9થી 12માં શિક્ષણ વિભાગ દ્વારા 30 ટકા અભ્યાસક્રમનો કાપ મૂકાયો છે. પરંતુ પ્રાથમિક વિભાગમાં હજુ સુધી આવી કોઇ જાહેરાત પણ કરાઇ નથી. ઉપરાંત પ્રાથમિક વિભાગમાં ક્યાંથી કોર્ષ ચલાવો અને શું ભણાવવું તે અંગે પણ સ્પષ્ટતા કરાઇ ન હોવાનું જાણવા મળે છે.

રાજ્યમાં કોરોના મહામારીના પગલે સ્કૂલો બંધ કરવામાં આવી હતી અને ઓનલાઈન ક્લાસ શરૂ કર્યા હતા. ત્યારબાદ સરકાર દ્વારા ધોરણ 9થી 12માં 30 ટકા જેટલો અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય લીધો હતો. આ ઘટાડેલા અભ્યાસના આધારે આગામી પરીક્ષા લેવાશે તેવી પણ જાહેરાત કરાઈ હતી. જોકે ધોરણ 1થી 8 માટે અભ્યાસક્રમમાં ઘટાડા સહિતની કોઈપણ જાહેરાત કરાઇ નથી. જેથી હાલમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ અભ્યાસક્રમને લઈ મૂંઝવણમાં મુકાયા છે.

સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ હાલમાં ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં ધોરણ 1થી 5ના વર્ગો પણ શરૂ કરવામાં આવનાર છે. પ્રાથમિક વિભાગમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની હાજરી પણ 35 ટકા આસપાસ રહેવા પામી હતી. ધીમે ધીમે પ્રાથમિક વિભાગમાં પણ વિદ્યાર્થીની સંખ્યા વધશે તેમ લાગી રહ્યું છે. આ સ્થિતિમાં શાળામાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને કેટલો અભ્યાસક્રમ ભણાવવો તે અંગે સ્પષ્ટતા ન હોવાથી હાલમાં શાળાઓએ પોતાની રીતે જ અભ્યાસક્રમ શરૂ કર્યો છે

અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ 9થી 12માં 70% અભ્યાસક્રમ આધારિત જ પેપર પુછવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી દેવાઈ છે. ઉપરાંત બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે પ્રાથમિક વિભાગમાં હજુ સુધી અભ્યાસક્રમમાં કાપ મુકાયો તેની કોઇ જાહેરાત કરાઇ નથી અથવા આગામી દિવસોમાં અભ્યાસક્રમમાં ઘટાડો કરાશે કે કેમ તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેથી શિક્ષકોએ સંપૂર્ણ અભ્યાસક્રમ ભણાવવો કે કેમ તે અંગે મૂંઝવણ અનુભવી રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા કોરોનની ગાઇડલાઇન પાલન કરવા માટે વાત કરવામાં આવી હતી. પણ બાળકોને અભ્યાસ અને તેમની પરીક્ષા સહિતની બાબતો પર કોઈ ચર્ચા કરાઇ ન હતી.

(12:34 pm IST)