Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

2003ના સાદિક જમાલ ફેક એન્‍કાઉન્‍ટર કેસમાં નિવૃત ડીવાયએસપી તરૂણ બારોટ અને પોલીસ કર્મચારી છત્રસિંહ ચુડાસમા સીબીઆઇ કોર્ટ દ્વારા દોષમુક્‍ત જાહેર

અમદાવાદ: વર્ષ 2003 સાદિક જમાલ ફેક એન્કાઉન્ટર કેસમાં નિવૃત DySP તરુણ બારોટ અને અન્ય એક પોલીસ કર્મચારી છત્રસિંહ ચુડાસમાને શનિવારે સ્પેશ્યલ CBI કોર્ટે દોષમુક્ત જાહેર કર્યા છે.

CBIએ તરુણ બારોટની ડિસ્ચાર્જ અરજી સામે કોર્ટમાં રજુઆત કરી હતી કે તરુણ બારોટ વિરુદ્ધ તેમની પાસે પૂરતા પુરાવવા છે. આ કેસમાં વર્ષ 2012થી ચાર્જફ્રેમની પ્રક્રિયા બાકી છે. CBIએ તરુણ બારોટના મુંબઈ જતી વખતે પેટ્રોલના બિલ સહિત સાક્ષીઓના નિવેદન રજૂ કર્યા હતા. આ કેસમાં સંડોવાયેલા કુલ 8 પોલીસ કર્મચારીઓ પૈકી એકનું મોત થયું છે, જ્યારે બે આરોપીઓને હાલમાં જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

તરુણ બારોટ તરફે દાખલ કરાયેલી ડિસ્ચાર્જ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ નિર્દોષ છે અને કેસમાં ખોટી રીતે તેમને સામેલ કરવામાં આવ્યા છે. તરુણ બારોટ આ કેસમાં સંડોવાયેલા હોય તેવો કોઈ સીધો નિવેદન નથી. આ કેસમાં તેમની સામે તથ્ય માત્ર આટલો જ છે કે તેઓ 2 જાન્યુઆરી થી 4 જાન્યુઆરી 2003 દરમિયાન મુંબઈ ગયા હતા.

ગત 24મી નવેમ્બરના રોજ સ્પેશ્યલ CBI કોર્ટે સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં સંડોવાયેલા બે પોલીસ કર્મચારી આર.એલ. મવાણી અને અજયપાલ યાદવને દોષમુક્ત જાહેર કર્યા હતા.

સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે પોલીસ કર્મચારી અજયપાલ યાદવ અને આર.એલ. મવાનીને દોષમુક્ત જાહેર કરતા નોંધ્યું હતું કે બંને અરજદારો સામે કાર્યવાહી કરવા માટે પુરતા કારણો ઉપલબ્ધ નથી. બંને અરજદારો આ ગુનામાં સંડોવાયેલા છે તેવું સ્પષ્ટ થતું નથી. આ કેસમાં મુંબઈ અને ગુજરાતના કેટલાક ઉચ્ચ પોલીસ કર્મચારીઓ સંડોવાયેલા છે.

આ કેસમાં સીબીઆઈ તરફે રજુઆત કરવામાં આવી હતી કે સાદિક જમાલ આંતકી નથી, પરંતુ પીડિત છે. નોંધનીય છે કે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ તપાસમાં જણાવ્યું હતું કે જે.જી પરમાર, તરુણ બારોટ, અજયપાલ યાદવ સહિત 8 પોલીસ કર્મચારીઓએ સાદિક જમાલની હત્યા કરી હતી.

જાન્યુઆરી 2003માં અમદાવાદના નરોડા વિસ્તાર પાસે ક્રાઈમ બ્રાન્ચના કેટલાક કર્મચારીઓ દ્વારા સાદિક જમાલની તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાના ઇરાદે આવ્યો હોવાની જાણકારીના આધારે તેનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું.

(4:57 pm IST)