Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

વડોદરાના તરસાલી બ્રિજ નજીક રિક્ષાચાલકને સરનામું પૂછવા ઉભું રહેવું સુરતના શખ્સને ભારે પડ્યું:સાગરીતોની મદદથી ઝડપીઓમાં લઇ જઈ રીક્ષા ચાલકે શખ્સને લૂંટી લેતા ગુનો દાખલ

વડોદરા:તરસાલી બ્રિજ પાસે ઉભેલા રિક્ષાચાલકને સરનામુ પૂછવા ઉભેલા સુરતના શખ્સને રિક્ષાચાલક અને તેના સાગરીતો નજીકની ઝાડીઓમાં ખેંચી ગયા હતા.અને માર મારી મોબાઇલ ફોન લૂંટી લીધો હતો.જે અંગે મકરપુરા  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત જિલ્લાના સણીયાકણદે ગામની ગોકુલધામ સોસાયટીમાં રહેતા મેહુલ ધનરાજભાઇ લુહાર સુરત વરાછા ખાતે સવાની એસ્ટેટ જી.કે.ચેમ્બર્સમાં હીરા ઘસવાની નોકરી કરે છે.ગઇકાલે બપોરે બાર વાગ્યે મેહુલ લુહાર  પોતાની બાઇક લઇને બાજવા રહેતા સાઢુભાઇ નરેશ રતિલાલ રાઠોડ ના ઘરે પત્નીને લેવા માટે ગયા હતા.બપોરે ત્રણ વાગ્યે સુરતથી અમદાવાદ તરફ જતા રોડ પર તરસાલી બ્રિજ પાસે આવેલી ગિરનાર હોટલની સામેની બાજુએ ચાર અજાણ્યા લોકો રિક્ષા લઇને ઉભા હતા.તેઓને બાજવા જવા માટેનો રસ્તો પૂછતા આ ચાર અજાણ્યા લોકો તેને પકડીને હાઇવે પરથી ખેંચીને ઝાડીઓમાં લઇ ગયા હતા.આ ચારેય લૂટારાઓએ મેહુલનો મોબાઇલ ફોન લઇ લીધો  હતો.મેહુલે બૂમો પાડતા લુટારાઓ ફોન લઇને હાઇવે તરફ દોડી જઇ રિક્ષા લઇને ભાગી છૂટયા હતા.ત્યારબાદ મેહુલ બાજવા ખાતે સાઢુભાઇના ઘરે જતા રહ્યા હતા.અને ત્યાંથી  સાઢુભાઇને લઇને મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(5:11 pm IST)