Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ગાંધીનગર શહેરમાં સે-3,5,6 માં આંતરિક માર્ગોના કામમાં છબરડા બહાર આવ્યા:ટુંકાગાળમાં માર્ગ પરથી કપચી ઉખડી જતા વાહનચાલકો માટે જોખમ

ગાંધીનગર:શહેરના સેક્ટર-૩પ અને ૬માં આંતરિક માર્ગોનું તંત્ર દ્વારા થોડા સમય અગાઉ રીસર્ફેસીંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી ગુણવતા વગરની હોવાના કારણે ટુંકાગાળામાં જ માર્ગ ઉપરથી જ કપચી ઉખડી જવાની સાથે સાથે ખાડા પડી જવાથી અવર જવર કરતાં વાહનચાલકો માટે જોખમી બન્યાં છે. આમ માર્ગોનું પુનઃ સમારકામ કરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિક નગરસેવક દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઇ છે.

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નં.૭ના સેક્ટર-૩૫ અને ૬માં આવેલાં આંતરિક માર્ગોની સમયાંતરે જાળવણી કરવામાં નહીં આવતાં બિસ્માર બની જવા પામ્યા હતાં. તો બીજી બાજુ થોડા સમય અગાઉ ગટરલાઇનની કામગીરી અંતર્ગત ખોદકામ કરાતાં માર્ગોમાં ખાડા પણ પડી ગયા હતા. આમ તંત્ર દ્વારા માર્ગોના રીસર્ફેસીંગની કામગીરી આ વિસ્તારમાં શરૃ કરી દેવામાં આવી હતી અને પુર્ણ પણ કરાઇ હતી. ત્યારે રીસર્ફેસીંગ કરાયાં બાદ ટુંકાગાળામાં જ માર્ગો ઉપરથી કપચી ઉખડી જવાની સાથે સાથે ખાડાઓ પણ પડી જવા પામ્યાં છે. આમ આંતરિક માર્ગોની કામગીરી ગુણવતા વગરની કરવામાં આવી હોય તેવો આક્ષેપ પણ સ્થાનિક નગરસેવક ઉર્મિલાબેન વર્મા દ્વારા કરવામાં આવી છે. હાલમાં આંતરિક માર્ગો ઉબડ ખાબડ થઇ જવાથી અવર જવર કરતાં વાહનચાલકો પણ અકસ્માતના ભયે પસાર થઇ રહ્યાં છે જેથી તમામ રસ્તાની કામગીરી પુનઃ કરવામાં આવે તેવી માંગ ઉચ્ચકક્ષાએ કરીને આવેદનપત્ર આપ્યું છે.

(5:15 pm IST)