Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા બાળકનાં ગર્ભાવસ્થાથી તરૂણાવસ્થા સુધીના શિક્ષણ-સંસ્કારનું ચિંતન શ્રેષ્ઠ માનવ નિર્માણ માટેનો પુરુષાર્થ : રાજ્યપાલ

દેશની એકમાત્ર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં રાજ્યપાલનું માર્ગદર્શન : અગિયાર વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરાયા

અમદાવાદ :ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દેશની એકમાત્ર એવી ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહને સંબોધતા જણાવ્યું હતું કે, બાળકના ગર્ભાવસ્થાથી તરૂણાવસ્થા સુધીના શિક્ષણ-સંસ્કારનું ચિંતન એ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા થઈ રહેલા શ્રેષ્ઠ માનવ નિર્માણનો પુરૂષાર્થ છે.

   રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પ્રાચીન ભારતની ઋષિ પરંપરા અને માનવ કલ્યાણના ધ્યેયને સાકાર કરવા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભૌતિક ઉન્નતિ ત્યારે જ સાર્થક બને છે જ્યારે મૂલ્યનિષ્ઠ શિક્ષણ-સંસ્કારથી માંનવી ખરા અર્થમાં માનવી બને. ઈશ્વરે સર્જેલી પ્રકૃતિના સંતુલનમાં બુદ્ધિ અને કૌશલ્ય ધરાવતા માનવીએ ખલેલ પહોંચાડીને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાનું સર્જન કર્યું છે. નિર્માણ અને વિધ્વંસ મનુષ્યના હાથમાં છે.

  માનવીય મૂલ્યોના સંસ્કારથી દુનિયા સ્વર્ગ બની જાય છે અને અમાનવીય મૂલ્યોથી આતંકવાદ અને ભ્રષ્ટ્રાચાર જેવા દૂષણોથી દુનિયા નર્ક બની જાય છે. ગર્ભાવસ્થાથી જ બાળક અને માતા-પિતાના સંસ્કાર અને શિક્ષણના ચિંતનથી જન્મ લેનારું બાળક શ્રેષ્ઠ માંનવી બની રહેશે. એ રીતે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી શ્રેષ્ઠ માનવ નિર્માણનું કાર્ય કરી રહી છે. રાજ્યપાલશ્રીએ પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શુભકામના પણ પાઠવી હતી.

   રાજ્યપાલએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રાચીન ભારતની ઋષિ પરંપરાના કેન્દ્રમાં બાળકનું સ્થાન હતું અને બાળકના શિક્ષક-સંસ્કારથી મહામાનવના નિર્માણનું ચિંતન ભારતની ધરતી પર થતું હતું. ગર્ભ સંસ્કારથી અંત્યેષ્ઠી સુધીના 16 સંસ્કારો માનવ જીવન સાથે વણાયેલાં હતા. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી માનવ નિર્માણની આ યાત્રા દ્વારા વિશ્વને નવી દિશાનું દર્શન કરાવશે, તેમ પણ રાજ્યપાલએ જણાવ્યું હતું.
   આ પ્રસંગે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદભાઈ શાહે પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી યુનિવર્સિટીની વિકાસગાથા વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગર્ભસ્થ શિશુથી લઈને 18 વર્ષના તરૂણના શિક્ષા- સંસ્કાર માટે, માતા-પિતા, શિક્ષક-પ્રશિક્ષકથી લઈને બાળકના સર્વાંગી વિકાસ સાથે જોડાયેલી તમામ વ્યક્તિના પથદર્શનના ધ્યેય સાથે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં તપોવન કેન્દ્ર, શિશુ પરામર્શન કેન્દ્ર, વિદ્યાનિકેતન તેમજ બાલોત્સવ, જેવા પ્રકલ્પો કાર્યરત છે.
   ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના આ પ્રથમ દીક્ષાંત સમારોહમાં રાજ્યના શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રીમતી અંજુ શર્મા, વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ સહિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. યુનિવર્સિટીના કુલ સચિવ ડૉ. અશોક પ્રજાપતિએ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.

(7:07 pm IST)