Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

સઘન મિશન ઇન્દ્રધનુષ 3.0 : રાજ્યમાં કોઈ પણ બાળક અને સગર્ભા વંચિત ન રહી જાય તે મિશન સાથે રાજ્યવ્યાપી સાર્વત્રિક રસીકરણનો તા. ૨૨ ફેબ્રુઆરીથી આરંભ

સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે ૧૨ લાખ બાળકો અને ૧૩ લાખથી વધુ સગર્ભાઓને વિનામૂલ્યે રસીઓ અપાય છે: બીજો રાઉન્ડ 22 માર્ચ 2021થી શરૂઆત કરવામાં આવશે

અમદાવાદ : સઘન મિશન ઇન્દ્રધનુષ 3.૦ અંતર્ગત રાજ્યમાં કોઈ પણ બાળક અને સગર્ભા વંચિત ન રહી જાય તે હેતુસર આગામી તા. ૨૨ ફેબ્રુઆરીથી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમનો આરંભ કરવામાં આવનાર છે. આ જ કાર્યક્રમનો બીજો રાઉન્ડ તા. 22 માર્ચ 2021થી શરૂ કરવામાં આવશે તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.
સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમનો ઉદ્દેશ્ય તમામ સગર્ભા માતા અને બાળકોને તેમની વયજૂથ મુજબની રસી સમયસર મળી જાય તે સુનિશ્ચિત કરવાનો છે. ૧૦ જેટલા ગંભીર રોગ જેવા કે ઝેરી કમળો, બાળ ટી.બી., પોલીયો, ડીપ્થેરીયા, ઊટાટીયું, ધનુર, હીબ બેક્ટેરિયાથી થતા ન્યુમોનીયા, મગજનો તાવ જેવા રોગો, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી અને રૂબેલા સામે રક્ષિત કરી શકાય.
આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ મિશન ઇન્દ્રધનુષના મુખ્ય ઉદ્દેશ દેશના તમામ બે વર્ષથી નાની ઉમરના બાળકો અને સગર્ભા માતાઓને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતગત આવરી લેવાનો છે. વધુમાં, બે વર્ષથી વધુ  ઉમરના બાળકોને પણ કોઈ પણ રસીકરણ સેશન પર રસીકરણ સેવાઓ પૂરી પાડવાનો છે. આ સમગ્ર પ્રક્રિયા અભિયાન સ્વરૂપે અમલીકરણ કરી રાજ્યમાં તેમજ દેશમાં સંપૂર્ણ રસીકરણનો વ્યાપ ૯૦% થી વધારી રોગમુક્ત સમાજ બને તે ઉદ્દેશ્ય છે.
એ જ રીતે રાજ્ય સરકારના સઘન મિશન ઇન્દ્રધનુષ 3.૦ અંતર્ગત સંપૂર્ણ રસીકરણમાં નોંધપાત્ર વધારો થાય અને દેશના ખાસ વિસ્તારોમાં વંચિત રહેલા બાળકો અને સગર્ભા માતાઓને રસીકરણની સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવાનો છે. સઘન મિશન ઇન્દ્રધનુષ 3.૦ ના પ્રથમ રાઉન્ડની શરૂઆત 22 ફેબ્રુઆરી 2021થી અને બીજો રાઉન્ડ 22 માર્ચ 2021 થી શરૂઆત કરવામાં આવશે. આ કાર્યક્રમ દરેક રાઉન્ડમાં 15 દિવસ સુધી કરવામાં આવશે, જેમાં મમતા દિવસ, કોવિડ રસીકરણ અને રજાના દિવસો સિવાયના દિવસોમાં સેશન પ્લાન કરી રસીકરણની વ્યવસ્થા કરવામાં આવશે. દેશના 250 જીલ્લાઓના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આ અમલમાં કરવામાં આવે છે. જેમાં ગુજરાતના ૩૩ જીલ્લા અને ૮ કોર્પોરેશન વિસ્તારોમાં ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ આ રસીકરણ કાર્યક્રમ યોજાશે. 
આ સઘન મિશન ઇન્દ્રધનુષ 3.૦ અંતર્ગત પ્રથમ હરોળના આરોગ્ય કાર્યકરો દ્વારા શહેરી સ્લમ વિસ્તારો તેમજ અંતરિયાળ અને અતિ દુર્ગમ વિસ્તારો ઉપરાંત જનસમુદાયવાળી શહેરી ઝુંપડપટ્ટીઓ, ઇંટોના ભઠ્ઠાઓ, માછીમારોની વસતીઓ, બાંધકામના વિસ્તારો, ઇન્ડસ્ટ્રી વિસ્તારો, પહાડી વિસ્તારની વસાહતો વગેરે અને ઓછા રસીકરણ કવરેજ વાળા વિસ્તારોમાં ઘરે ઘરે જઈને રસીકરણ કરવામાં આવશે. આ માટે રસીકરણ સેવાઓથી વંચિત બાળકોની યાદી તૈયાર કરવામાં આવી છે. રસીકરણ સેવાઓથી વંચિત રહી ગયેલ લાભાર્થીઓને સેવાઓ આપવા આરોગ્ય કેન્દ્રો દ્વારા એક વ્યવસ્થિત રસીકરણ માઈક્રોપ્લાન બનાવી અભિયાનમાં આવરી લેવાયેલ છે.
આ અભિયાનના પ્રચાર પ્રસાર માટે તમામ સામુદાયિક સ્થળો, TV, રેડિયો તેમજ સામાજિક એકીકરણ માટે  સામુદાયિક  બેઠક, માતાઓ સાથે બેઠક, રેલી, માઈક પ્રચાર વગેરેનો ઉપયોગ કર્યો છે. આ સાથે પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ગીત અને નાટ્ય વિભાગ, ભારત સરકારનો જે સહકાર મળેલ; તેના થાકી સઘન મિશન ઇન્દ્રધનુષ અને સાર્વત્રિક રસીકરણનો બહોળો પ્રચાર કરવામાં આવે છે. રસીઓનો જથ્થો, તેના પરિવહન તેમજ કોલ્ડ ચેઇન તાપમાનની વાસ્તવિક સમયની માહિતી ઉપલબ્ધ કરવા માટે ઇલેક્ટ્રોનિક વેક્સીન ઇન્ટેલિજન્સ નેટવર્ક (eVIN) નું અમલીકરણ રાજ્યના તમામ ૧૯૭૦ રસીઓના સ્ટોર અને કોલ્ડ ચેઈન પોઈન્ટ પર અમલીકરણ કરાયું છે.
સઘન મિશન ઇન્દ્રધનુષ 3.૦ના મોનીટરીંગ અને સુપરવિઝન માટે જીલ્લા/કોર્પોરેશન કક્ષાના ઓફિસરો, તાલુકા કક્ષાના આરોગ્ય કાર્યકરો તેમજ તમામ મેડીકલ કોલેજોના સહાયકો, બીજી સંસ્થાઓના કાર્યકરો (UNICEF, WHO, UNDP etc. ) દ્વારા કામગીરી કરવામાં આવશે.
સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ દ્વારા સંપૂણ રસીકરણનો વ્યાપ વધારી તેમજ નવીનતમ અને ગુણવાસભર રસીઓને કાર્યક્રમમાં દાખલ કરી તેનાથી થતા બાળ મૃત્યુ અને રોગોને અટકાવવા માટે કટીબધ્ધતા જરૂરી છે. આ માટે જનસમુદાયનો દરેક જવાબદાર વ્યક્તિ આ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં મદદરૂપ બની આવનારી ગુજરાતની પેઢીને રસીથી સુરક્ષિત બનવવા આગ્રહપૂર્વક અનુરોધ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમનું વર્ષ ૧૯૮૫થી અમલીકરણ થયેલ છે, જેમાં દર વર્ષે દેશના આશરે ૨.૬ કરોડથી વધુ બાળકો અને ૩ કરોડથી વધુ સગર્ભા માતાઓને આવરી લેવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે ૬ લાખથી વધુ  રસીકરણ/મમતા સેશન થકી રસીકરણ સેવાઓ દ્વારા ૧૨ લાખ બાળકો અને ૧૩ લાખથી વધુ સગર્ભા માતાઓને વિનામૂલ્યે રસીઓ આ૫વામાં આવે છે.
બાળલકવા નાબૂદી માટે સમગ્ર દેશમાં અને ગુજરાત રાજયમાં ઘનિષ્ઠ અભિયાન અંતર્ગત ૦-૫ વર્ષનાં તમામ બાળકોને પોલિયો વિરોધી રસી આ૫વામાં આવે છે. આ અભિયાનના કારણે રાજયમાં એપ્રિલ-ર૦૦૭ ૫છી પોલિયોનો એક ૫ણ કેસ નોધાયેલ નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ 31 જાન્યુઆરી, 2021ના રોજથી પલ્સ પોલીયોની કામગીરી દ્વ્રારા બાળકોને પોલીયો વિરોધી રસી આપી રક્ષિત કરાયા છે.

(7:12 pm IST)