Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

મોટેરા મેચ કોરોનાના નવા સ્ટ્રેનનો ગેટવે નહીં બને ને?

અમદાવાદમાં ૨૪મીથી ઈંગ્લેન્ડ સામે ભારતની ત્રીજી ટેસ્ટ : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ મોટેરા સ્ટેડિયમમાં આવ્યા જેમાં લાખથી વધુ લોકો ભેગા કરાયા હતા અને હવે ફરી ૫૦ હજારથી વધુ લોકોને ભેગા કરાશે

અમદાવાદ, તા.૨૦ : કોરોના વાયરસના નામે સરકારે દેશના નાગરિકોને નિયમોના અતિરેકથી રિતસર બાનમાં લીધા હતા. ગંભીર વાયરસ સામે તકેદારીના સ્વૈચ્છિક પગલાં જરૂરી હતા એવામાં સરકારે માસ્ક નહીં પહેરવા બદલ ૧૦૦૦ રૂપિયા દંડ સહિતની જોગવાઈઓ કરીને પ્રજાની હાલાકી વધારવાનું કામ કર્યું. એટલું નહીં લોકોને તેમના ઘરના મેળાવડા, લગ્નો અન્ય પ્રસંગો ઉપરાંત વર્ષના નવરાત્રિ, દિવાળી તો ઠીક ઉત્તરાયણના તહેવારો પણ કેટલાક અવ્યહારૂ નિયંત્રણો લાદીને પ્રજાના સ્વાસ્થ્યની ચિંતાના નામે તેમને બિનજરૂરી ભયરૂપી ચિતા પર બેસાડી દીધા હતા. જોકે, લોકોના તહેવારો અને વ્યવહારો પર નિયંત્રણ રૂપી તરાપ મારનારી સરકાર નિયમો કે કાયદા માત્ર પ્રજા માટે હોય એવું પુરવાર કરતી હોય એમ સ્પષ્ટ લાગી રહ્યું છે. ૨૪મી ફેબ્રુઆરીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ યોજાવાની છે જેમાં સ્ટેડિયમની અડધી ક્ષમતા એટલે કે ૫૦ હજારથી વધુ પ્રેક્ષકોને પ્રવેશ આપીને વહિવટી તંત્ર આગ સાથે રમી રહ્યાનો અહેસાસ સામાન્ય નાગરિકોને થઈ રહ્યો છે.

 શહેરમાં જાન્યુઆરી મહિનામાં બ્રિટનથી કોરોનાના નવા સ્ટ્રેને દેખા દીધી હોવા છતાં તંત્ર બાબતને અવગણીને આટલું મોટું જોખમ લેવા જઈ રહ્યું છે એનાથી નાગરિકોને આશ્ચર્ય થયું છે.

૨૪મીથી મોટેરા સ્ટેડિયમ પર ટેસ્ટ : વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમના લેબલ સાથે મોટેરા સ્ટેડિયમ વર્ષ બાદ નવનિર્મિત મેદાન પર પ્રથમ ટેસ્ટ યોજવા જઈ રહ્યું છે. સ્ટેડિયમ પર હવે ક્રિકેટના એક પછી એક અનેક નવા ઈતિહાસ રચાય દરેક અમદાવાદીને ચોક્કસ ગમે પણ કોરોનાના કપરા સમયમાં વર્ષ સુધી લોકોને બાનમાં રાખ્યા બાદ અચાનક આવા આયોજન પ્રજાના હિતમાં છે કે કેમ એમસરદાર પટેલ સ્ટેડિયમ વિસ્તારમાં રહેતા ક્રિકેટ પ્રેમીએ જણાવ્યું હતું. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦એ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ સ્ટેડિયમમાં યોજાયો હતો : નમસ્તે ર્ટ્મ્પ અને ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટની એક તારીખોને યોગાનુયોગ માનવામાં આવે તો ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ મોટેરા સ્ટેડિયમમાં તત્કાલિન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે નમસ્તે ર્ટ્મ્પ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં અખબારોના અહેવાલ મુજબ ક્ષમતા કરતા વધુ એટલે કે એક લાખ દસ હજારથી પણ વધુની મેદની મેદાન પર ઉમટી પડી હતી. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ ફરી સ્ટેડિયમમાં અડધી ક્ષમતા સાથે એટલે કે ૫૦ હજારથી વધુ લોકો સ્ટેડિયમમાં પહોંચે એવી શક્યતા છે.

નમસ્તે ટ્રમ્પ આવ્યા કોરોના લાવ્યાનો વિપક્ષોનો આરોપ : અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પના આયોજન બાદ કોરોનાના કેસમાં ધીરે ધીરે વધારો થયો હતો. મીડિયાના અહેવાલ અનુસાર અમદાવાદમાં સૌ પહેલો કોરોનાનો કેસ ચાર ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ નોંધાયો હતો કે જ્યારે  થાઈલેન્ડના પ્રવાસેથી પાછી ફરેલી ૨૮ વર્ષની મહિલા દર્દીમાં સંક્રમણ જોવા મળ્યું હતું. જ્યારે શરુઆતમાં કેસની ગતિ અત્યંત ધીમી હતી અને તે ૨૧ માર્ચ સુધીમાં અમદાવાદમાં ૧૩ પોઝિટિવ દર્દી પર પહોંચી હતી. ૨૧ માર્ચે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકારોને બાબતે માહિતી આપતા સ્પષ્ટ જણાવ્યું હતું કે ૧૩ કેસમાંથી ૧૨  કેસ વિદેશથી આવેલા ભારતીયોના હતા. જેમાં ન્યૂયોર્ક, ઈંગ્લેન્ડ અને ફિનલેન્ડથી આવેલા પ્રવાસીઓનો સમાવેશ થાય છે.

જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં અમદાવામાં કોરોનાના નવા સ્ટ્રેનના ચાર કેસ સામે આવ્યા : અમદાવાદ કોરોનાની દ્રષ્ટીએ અત્યંત સંવેદનશીલ શહેર રહ્યું છે. રાજ્યમાં શહેરમાં સૌથી વધુ કેસ અને જાનહાની નોંધાયા છે. નવા વર્ષના પ્રારંભ બાદથી વાયરસ પર ધીરે ધીરે નિયંત્રણ આવ્યું હોવાનું લાગ્યું હતું પરંતુ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ત્રીજી જાન્યુઆરીની આસપાસ અમદાવાદમાં બ્રિટનથી આવેલા ચાર જણામાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળ્યો હતો અને પછી પણ બીજા અનેક કેસ નવા સ્ટ્રેનના સામે આવ્યા છે. જે પણ કેસ આવ્યા છે તેમાં મોટા ભાગના બ્રિટનથી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

શાળાઓ હજુ સંપૂર્ણ ખુલી નથી ત્યાં મોટી મેચનું આયોજન : રાજ્યમાં હજુ શાળાઓના તમામ વર્ગો ખુલ્લા નથી અને ખુલ્યા છે તો તેમાં છાત્રોની હાજરી પણ બરોબર જોવા નથી મળી રહી ત્યાં એક સંકુલમાં આટલી મોટી સંખ્યામાં લોકોને ભેગા કરીને તંત્ર શું પુરવાર કરવા માગે છે, એવો સવાલ એક જાગૃત નાગરિકે કર્યો હતો.

નમસ્તે ર્ટ્મ બાદ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ કોરોનાના પ્રસારમાં નિમિત્ત તો નહીં બને ને? : અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ બાદ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધ્યું હતું તો આંકડા પરથી જોઈ શકાય છે પણ વિપક્ષોનો તો દાવો હતો કે નમસ્તે ટ્રમ્પ રાજ્યમાં ખાસ કરીને મદાવાદમાં કોરોનાનું પ્રવેશ દ્વાર બન્યું હતું. સ્થિતિને જોતાં બરોબર એક વર્ષ બાદ સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે અને નવા સ્ટ્રેને પણ રાજ્યમાં વાયા બ્રિટન પ્રવેશ કર્યો છે ત્યારે મોટેરા સ્ટેડિયમ ફરી એક વખત કોરોનાના નવા સ્ટ્રેનનું ગેટવે તો નહીં બને ને એવી દહેશત નાગરિકોમાં જોવા મળી રહી છે.

લોકોના તહેવારો-વહેવારો પર નિયંત્રણ અને સરકારી આયોજનોને છૂટો દોર : કોરોનાને લીધે ૨૦૨૦નું આખું વર્ષ લોકો માટે તમામ રીતે ખરાબ રહ્યું જેમાં લોકોના જાહેર તહેવારોનો રોમાંચ તો નિયંત્રણની તલવારમાં વઢાઈ ગયો વળી સામાન્ય નાગરિકોના લગ્નો સહિતના પ્રસંગો પણ ખોરવાઈ ગયા. સંક્રમણ પર નિયંત્રણ માટેની તકેદારીમાં નાગરિકોએ તંત્રને અપેક્ષા કરતા પણ વધુ સહકાર આપ્યો છે ત્યારે સંયમ પૂર્વક એક વર્ષ વિતાવનારા નાગરિકોને ચૂટંણીની સભાઓ અને મેચના મોટા આયોજન પર શા માટે નિયંત્રણો નથી લાદવામાં આવતા એવો સવાલ થાય સ્વભાવિક છે. મેચમાં મોટી સંખ્યામાં વિદેશીઓ આવી શકે છે : અત્યંત આધારભૂત સૂત્રોના અનુસાર ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં વિદેશી પ્રવાસીઓ બહુ નહીં આવે પણ મોટી સંખ્યામાં વિદેશી પત્રકારો મેચના કવરેજ માટે અમદાવાદ આવશે એવું જાણવા મળે છે ત્યારે તંત્ર દ્વારા આને લઈને કેટલી તકેદારી રખાય છે અને તકેદારી છતાં કોરાના પર નિયંત્રણ રાખી શકાશે કે કેમ તો આવનારો સમય બતાવશે.

(8:44 pm IST)