Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

અમદાવાદ મનપાની મોટી કાર્યવાહી :50 ટકા સ્ટાફ બોલાવવાના હુકમનું પાલન નહિ કરનારા પર તવાઈ : BMW સહિત 5 ઓફિસો સીલ

ટેક્સ ડિપાર્ટમેન્ટ અને એ એમ ટી એસ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા 480 જેટલી ખાનગી ઑફિસો અને સંસ્થાઓમાં કર્મચારીઓની હાજરીનું ચેકીંગ હાથ ધર્યું

અમદાવાદ: કોરોનાના કેસોમાં પ્રચંડ વધારો થઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી તમામ પ્રકારની ખાનગી ઑફિસો,ખાનગી સંસ્થાઓ,એકમોમાં કર્મચારીઓની સંખ્યા 50 ટકા જ સ્ટાફ બોલાવવા માટેનો હુકમ કર્યો હતો. જે અનુસંધાને આજે ટેક્સ ડિપાર્ટમેન્ટ અને એ એમ ટી એસ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા 480 જેટલી ખાનગી ઑફિસો અને સંસ્થાઓમાં કર્મચારીઓની હાજરીનું ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકીંગ દરમિયાન 5 ઑફિસોમાં 50 ટકા કરતા વધુ સ્ટાફ જોવા મળ્યો હતો. જેથી આ ઑફિસોને સીલ કરવામાં આવી છે. તેમજ નોટિસ પણ આપવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં દિવસે દિવસે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેથી સંક્રમણ વધુ ન વધે તે માટે એએમસી દ્નારા શહેરની તમામ ઓફિસમાં 50 ટકા સ્ટાફ રાખવા માટેનો આદેશ કર્યો હતો. જો કે, હજી પણ ઘણી એવી ઓફિસો છે જેમાં સંપૂર્ણ સ્ટાફને કામ કરવા માટે બોલાવવામાં આવી રહ્યો છે. જેથી એએમસી દ્વારા આજે શહેરની 480 ખાનગી ઓફિસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે ઓફિસોમાં 50 ટકા કરતા વધારે સ્ટાફ હતો તે તમામ ઓફિસોને સીલ કરી દેવામાં આવી હતી.

જો કે, આગામી સમયમાં પણ એમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઓફિસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે અને તે ચેકિંગમાં કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે 50 ટકા સ્ટાફનું પાલન થાય છે કે નહીં તે તપાસ કરવામાં આવશે

સીલ કરવામાં આવેલી ઓફિસના નામ

1. BMW ગેલોપ્સ ઓટોહોસ પ્રા.લી, મકરબા
2.મેસર્સ સી એન્ડ એસ., એસ.જી હાઇવે
3. એક્સિસ બેન્ક હેલ્પ ડેસ્ક, થલતેજ
4.રિધ્ધિ કો સર્વિસિસ,સરદાર પટેલ મોલ નિકોલ
5.ક્રિષ્ના ડાયમંડ, જડેશ્વર કોમ્પલેક્ષ,વસ્ત્રાલ

(8:52 pm IST)